અલ્લાહ, રસૂલ અને આખિરતના બારામાં ભૂલાવામાં પડી જવાના કારણો અને એનાથી બચવાના ઉપાય

1
469

(૧) ભૌતિક જીવનને ટકાવી રાખવા જેમ આપણે અલ્લાહની અસંખ્ય ને’મતોમાંથી મુખ્ય ત્રણ નેઅમતો- હવા, ખોરાક અને પાણી- નિરંતર લેવા પડે છે તે જ પ્રમાણે આપણા આપણા ઇસ્લામી જીવનને સુરક્ષિત રાખવા, ટકાવી રાખવા અને એમાં મજબૂતી પ્રાપ્ત કરવા અલ્લાહની કિતાબ અને પ્યારા નબી સ.સ.વ.ના માર્ગદર્શનમાંથી સતત જીવન-તત્વ મેળવતા રહેવું પડશે. તો જ સાચા ઇસ્લામી જીવનનું અસલ તત્વ બાકી રહેશે અને જા કોઈ બગાડ દેખાય તો તેને એ આધારોની બુનિયાદો ઉપર સુધારી શકાશે. પણ દુર્ભાગ્યે ઉમ્મતના મોટાભાગના લોકોએ આ મહત્વના કામને સદંતર છોડી દીધું છે. બતાવો આપણા સમાજમાં કેટલા લોકોના ઘરોમાં એ રિવાજ છે કે સવાર, સાંજ કે રાત્રે, દિવસમાં એકવાર પત્ની, બાળકો અને કુટુંંબના અન્ય સભ્યોને એક સાથે સભામાં બેસાડીને અલ્લાહની કિતાબના થોડાભાગનું પઠન કરવામાં આવે, તેના અર્થ બતાવવામાં આવે અને અલ્લાહની આ કિતાબ આપણાથી શું ડિમાન્ડ કરે છે તે સવિસ્તૃત બતાવવામાં આવે ? તથા એ બારામાં પ્યારા નબી સ.અ.વ.નું શું માર્ગદર્શન છે તેના ખુલાસા આપ સ.અ.વ.ની હદીસો અને આપ સ.અ.વ.ની જીવન ઝરમરનો સંદર્ભ આપીને સમજાવવામાં આવે ? આપણે રોજ સવારના ઘરના સભ્યોને સાથે લઈ ચા-નાશ્તો કરીએ છીએ. બધાને સાથે લઈને જમીએ છીએ. શું આ કામ માટે પણ આપણા ઘરોમાં કોઈ એવો પ્રયાસ થાય છે  ખરો ? (ઇલ્લા-માશાઅલ્લાહ) ઠીક છે, અલ્લાહ આપણને આપણી આ કોતાહી બદલ માફ કરે, પણ હવે ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ’ એ ઉક્તિ પ્રમાણે હવે આ કામની પણ શરૂઆત કરી દઈએ અને આપણા રોજ-બરોજના પ્રોગ્રામોમાં આ એક પ્રોગ્રામને પણ સામેલ કરી દઈએ. ઇન્શાઅલ્લાહ આપણી જીવનધારા બદલાઈ જતાં વાર નહીં લાગે. અને આપણી આવનારી નસ્લો પણ અલ્લાહ-રસૂલને બરાબર ઓળખતી થઈ જશે. ચાલો, આજથી જ શરૂઆત કરી દો.

(ર) જીવનનું અસલ ધ્યેય માત્ર ભૌતિક સુખોની પ્રાપ્તિ તથા ધન-દૌલત અને  જમીન-જાયદાદોની ઉપલબ્ધિ પૂરતો મર્યાદિત થઈ જવાના કારણે અલ્લાહ-રસૂલ તરફ ધ્યાન ઓછું થઈ ગયું. દીન માત્ર રસમી ઈબાદતો પૂરતો જ રહી ગયો અને ઉમ્મતના એક મોટો વર્ગે તો ઇબાદતોને પણ છોડીને માત્ર નામના મુસલમાન રહેવાનું અપનાવી રાખ્યું. આવી હાલતમાં અલ્લાહ-રસૂલ સાથેના કોલ-કરારનું ભાન જ સાવ વિસારે પડી ગયું. અલ્લાહને યાદ કરવાથી ઈમાન તાજુ રહે છે. એક હદીસમાં આપ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે ‘તમારા ઘરોને કબ્રસ્તાન ન બનવા દો.’ પૂછવામાં આવ્યું કે એટલે શું ? આપ સ.અ.વ.એ જણાવ્યું ‘જે ઘરમાં અલ્લાહનો ઝિક્ર છે, અલ્લ્હની યાદ થતી રહે છે તે ઘર જીવંત છે અને જે ઘરોમાં અલ્લાહના ઝિક્રનો કોઈ રિવાજ નથી તેનું ઉદાહરણ કબ્રસ્તાન જેવું છે.’ (હદીસ ભાવાર્થ) તો હવે આપણે આપણા ઘરની તપાસણી કરીને ચકાસીએ કે આપણા ઘરનો હાલ કેવો છે. અલ્લાહ-રસૂલની યાદ હશે, ઘરમાં અલ્લાહ-રસૂલની વાતોનું ચલણ હશે તો તેવા ઘરોમાં અલ્લાહની બરકત નાઝિલ થશે, અલ્લાહ આફતો અને બલાઓથી તે ઘરને અને તેના વાસીઓને સુરક્ષિત રાખશે અને ઘરનું વાતાવરણ પણ ઈમાનની રોનકથી હર્યુંભર્યું રહેશે.

(૩) આપણા સમાજમાં મનેચ્છાઓની ગુલામીનું ચલણ ખૂબજ વધી ગયું. આ હાલ અલ્લાહને ભૂલીને જીવનારી કૌમોનો હતો. સૂરઃએ ફુર્કાનની આયતો નંબર ૪૩, ૪૪માં અલ્લાહ તઆલા આવા લોકો માટે કહે છે.’ શું તમે તે લોકોનો હાલ જાયો જેમણે પોતાની મનેચ્છાઓને પોતાનો ખુદા બનાવી રાખ્યો છે ?  શું તમે આવા લોકોને સીધા માર્ગ ઉપર લાવવાની જવાબદારી લઈ શકો છો ? શું તમે એમ સમજા છો કે આમાંના ઘણાખરા લોકો સાંભળે અને સમજે છે ? આ તો પશુઓ જેવા લોકો છે, બલ્કે પશુઓથી પણ બદતર !’ જુઓ, આનાથી વધીને બીજા કઠોર શબ્દો શું હોઈ શકે ? અલ્લાહ સાથેના કરારથી ગફલતમાં ફસાઈ જવાનું એક કારણ આ પણ છે . ચેતી જઈને વર્તન સુધારી લેવામાં જ આપણી ભલાઈ છે. જીવનને લગતી દરેક બાબતોમાં અલ્લાહ-રસૂલના આદેશો પ્રમાણે નિર્ણયો લેવાવા જાઈએ.. કરારનું પાલન થયેલું તો જ ગણાશે.

(૪) અલ્લાહ સાથેના કોલ-કરારથી ગફલતનું એક કારણ જાતિગર્વ અને અભિમાન પણ  છે. પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી અને હોશિયાર ગણનારા લોકો અલ્લાહ-રસૂલની વાતો ઉપર ઝાઝુ ધ્યાન આપવા તૈયાર થતાં નથી. તેઓ માને છે કે અમે જે વિચારીએ છીએ તે જ બરાબર છે. સૂરઃ નિસાની આયત ૩૬ના છેલ્લા વાકયમાં અલ્લાહ કહે છે ‘નિશંક અલ્લાહ બડાઈ હાંકનારા અને ગર્વ કરનારા લોકોને પસંદ કરતો નથી.’ અલ્લાહ

 સાથેના કોલ-કરારથી ગફલત પેદા થઈ જવાનું આ પણ એક કારણ છે. અલ્લાહ રસૂલને શરણે ગયેલ વ્યક્તિ આવું કદી કરશે નહીં. આપણાથી એવી ભૂલ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું જાઈએ.

(પ) આખિરતની જવાબદેહિતા ઉપર ઈમાન એ આસ્થાનો એક ખાસ ભાગ છે. પણ દુનિયાની ઝાકઝમાળ, તેની રંગીનીઓ, અને તેની લોભામણી ચાલો માણસને આખિરતની જવાબદેહિતાથી ગફલતમાં નાંખી દે છે. માણસ પછી સમગ્રતયા દુનિયાનો જ બનીને રહી જાય છે. આવી હાલતમાં પછી અલ્લાહ રસૂલ સાથેના કોલ-કરાર પછી શું યાદ રહે ? એક હદીસમાં આપ સ.અ.વ. ફરમાવે છેઃ ‘દુનિયા મોમિનો માટે કૈદખાનું અને કાફિરો માટે જન્નત છે.’ (હદીસ ભાવાર્થ) માટે આપણે દુનિયા અને તેની રંગીનીઓમાં એટલા બધા લપેટાઈ ન જવું જાઈએ કે અલ્લાહ-રસૂલ તરફથી આપણું ધ્યાન જ હટી જાય. આ બારામાં સતત સાવચેત રહેવું જરૂરી છે.

(૬) પ્રત્યેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. મોતનો ફરિશ્તો ગમે તે ક્ષણે આવીને રૂહ કબ્જ કરી લેશે. અને ત્યારે આપણે માત્ર ‘લાશ’ બની જઈશું. પછી તો સમય, જા એના માટે પૂરતી તૈયારી નહીં કરી હોય તો અત્યંત કઠીન હશે. પણ દુનિયાની લઝઝતો અને તેની અમર્યાદ લોભલાલચોએ આ દુઃખદ ઘડીની યાદ આપણને ભુલાવી દીધી છે. પ્યારા નબી સ.અ.વ. એક હદીસમાં કહે છે ‘લઝઝતોને  તોડનારી (અર્થાત્‌ મૌત)ને યાદ રાખો.’ આપ સ.અ.વ.એ એમ પણ કહ્યું હતું કે, ‘હું દિવસમાં ૭૦ વાર મોતને યાદ કરૂં છું.’ આપણામાંના મોટાભાગના લોકોને હવે મૃત્યુની કોઈ ફિકર-ચિંતા સતાવતી નથી. આ પરિસ્થિતિઓએ પણ અલ્લાહ સાથેના કોલ-કરારને ભુલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યા છે.

(૭) એક કારણ એ પણ બન્યું કે દીને ઇસ્લામની અસલ વાતોના તલસ્પર્શી જ્ઞાનના અભાવના કારણે ‘સીરાતે મુસ્તકીમ’ની અસલ તસવીર દિમાગો ઉપર કાયમ થઈ શકી નહીં. આના કારણે દિલોદિમાગ ઉપર તેનું મહત્વ જાઈએ એટલા પ્રમાણમાં કાયમ થઈ શકયું નહીં. અસલ વાતોથી અજ્ઞાત રહી જવાના કારણે નકલી વાતો અને પદ્ધતિઓ દીનની જાગવાઈઓના નામે સમાજમાં ઘુસપેઠ કરી ગઈ. આમાંની ઘણી પદ્ધતિઓ અને રિવાજા અલ્લાહ-રસૂલથી ધ્યાનભ્રસ્ટ કરીને અન્યો તરફ લઈ જનારી હતી. આ તકનો લાભ લઈને એવા લોકો મેદાનમાં ઉતરી આવ્યા જેમણે ગલત તર્કો અને ખોટી તાવીલો દ્વારા ઈન્સાની દિમાગોને ભ્રમીત કરી દેવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આમ એકવાર ધ્યાન બીજે વળી ગયું એટલે અલ્લાહ રસૂલ તરફ ધ્યાન કેન્દ્રીત રાખવાનું વલણ ધીમે ધીમે ઝાંખું પડી ગયું. એકવાર ધ્યાન હટી જાય એટલે પછી કોલ-કરાર તરફ ઉદાસીનતા છવાઈ જાય એ સ્વાભાવિક છે.

(૮) ભુલાવાની જાળમાં ફસાઈ જવાનું અજના યુગનું એક મોટું કારણ આનંદપ્રમોદ (એન્ટરટેઈનમેન્ટ)ના સાધનો અને આયોજનોની ભરમાર પણ છે. મક્કાના કુરૈશની એક ચાલ એ પણ હતી કે લોકોને અલ્લાહની કિતાબ અને નબી સ.અ.વ.ની સંગત અને તેમના આજ્ઞાપાલનથી દૂર કરી દેવા માટે નાચગાનની મહેફિલો સજાવવામાં આવે, જેમાં ગુલતાન થઈને લોકો ઇસ્લામી પ્રશિક્ષણના આયોજનોથી દૂર થઈ જાય. ઇસ્લામી વિચારધારા અને વ્યવસ્થા તરફથી તેમની દિલચશ્પી ઓછી થઈ જાય અને આમ તેમને ‘અસલ ઇસ્લામી જીવન’થી દૂર કરી દેવામાં આવે. વિશ્વસ્તરે આ માટે આજે જબરજસ્ત અભિયાનો (કેમ્પેઈન) ચાલી રહ્યા છે. આ નશામાં મસ્ત કરી દઈને માનવ સમાજાને તેમના જીવનકર્તવ્ય અને તેમના અંજામથી સાવ ભાનભુલા બનાવી દેવાયા છે.

જેણે માનવીને અસ્તિત્વ આપ્યું, જીવન અવધિ આપી અને તેના માટે તમામ ઉપલબ્ધીઓ પ્રદાન કરી એવા અલ્લાહને ભૂલીને જીવવું અને માત્ર દુનિયા તથા તેની રંગીનીઓમાં ગળાડૂબ થઈને રહી જવું એ મોમિનનું વલણ કદી હોઈ શકતુ નથી. એ કામ તોઅલ્લાહ રસૂલ અને આખિરતનો ઇન્કાર કરનારા લોકોનું કામ છે જેમના બારામાં અલ્લાહતઆલા કહે છે. ‘જેમણે પોતાના દીનને (અલ્લાહ અર્પિત જીવનવ્યવસ્થાને) માત્ર ખેલ-તમાશો બનાવી લીધો. દુન્યવી જીવને તેમને ધોખામાં ફસાવી રાખ્યા. (કયામતના દિવસે અલ્લાહ તેમને કહેશે) આજે હવે અમે પણ એમને એ જ રીતે ભુલાવી દઈશું જે રીતે તેમણે આજના દિવસની અમારી મુલાકાતને ભુલાવી દીધી હતી, અને અમારી આયતોનો ઈનકાર કરતા રહ્યા હતા.’ (સૂરઃ આ’રાફ-પ૧)

મુસલમાનોને સાવચેત કરતાં અલ્લાહ કહે છે ‘તમે તે લોકો જેવા ન થઈ જશો જેમણે અલ્લાહને ભુલાવી દીધો તો અલ્લાહે પણ તેમને તેમની પોતાની જાતના નફા-નુકસાનથી ભુલાવામાં નાંખી દીધા. વાસ્તવમાં તેઓ કરારભંગ કરનારા (ફાસિક) છે.- (અલ-કુઆર્ન સૂરઃહશ્ર-૧૯)

મુસલમાનો માટે હવે આ ગફલતભરી ભૂલભલામણીઓમાંથી બહાર નીકળીને ચોકસાઈપૂર્વક અને સાચા અર્થમાં અલ્લાહ રસૂલ તરફ પાછા ફરવાનો સમય પાકી ગયો છે. પાણી હવે માથા સુધી આવી ગયું છે. જા ઉમ્મત હવે પણ નહીં ચેતે અને અલ્લાહ-રસૂલ તરફ નિષ્ઠાપૂર્વક ધ્યાન કેન્દ્રીત નહીં કરે, ગફલત અને નકલી પદ્ધતિઓને છોડીને અસલ ઇસ્લામી પ્રાવધાનોને અપનાવવાનું ડહાપણ નહીં કેળવ, મદહોશીના આલમમાં એ જ રીતે જીવ્યે જશે જેમ પહેલેથી જીવતા આવ્યા છે તો હજી પણ વધુ ખાનાખરાબીઓ ઉમ્મતને ભોગવી પડશે. દૌલત અને સમૃદ્ધિનું કોઈ મહત્વ નથી. અસલ વસ્તુ ઇજ્જત અને સન્માન છે. એક મજબૂત પ્રતિષ્ઠિત અને સન્માનિત ઉમ્મત તરીકે જગતમાં ફરી સ્થાન મેળવવું હશે તો સાચા અર્થમા અલ્લાહ-રસૂલ તરફ પાછા ફરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. અલ્લાહ સાથે કરેલ કોલ-કરારને યાદ રાખવામાં જ ઉમ્મતની ભુલાઈ છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here