ઇસ્લામ :

0
159

સહિષ્ણુતા અને ઉદારતાનો ધર્મ

માનવી અલ્લાહની વિચિત્ર રચના છે. વિચારવાની-સમજવાની શક્તિથી પરિપૂર્ણ અને ગુણો-દુર્ગુણોનો ભંડાર.

આ જ ગુણોમાં એક મહત્વનો ગુણ છે સહિષ્ણુતા અને ઉદારતા. ઇસ્લામ માનવીને આ વિશેષ ગુણ ધારણ કરવાની શિક્ષા આપે છે. સહિષ્ણુતા અને ઉદારતા પરસ્પરના મનદુઃખને દૂર કરવા, શાંતિ અને સોહાર્દનું વાતાવરણ બનાવવા અને ધરતી પર ફેલાતા બગાડને રોકવાનું અચૂક સાધન છે. સહિષ્ણુતા તે ગુણ છે જે માનવીને વિનમ્ર બનાવે છે. તેને બીજાના વિચારો અને આદર્શોનું સન્માન કરતા શિખવે છે.

અલ્લાહ ધરતી પર બગાડ ફેલાવનારાઓને પસંદ નથી કરતો, અલ્લાહના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘સમગ્ર સૃષ્ટિ અલ્લાહનો પરિવાર છે અને અલ્લાહ તેને પસંદ કરે છે જે તેના પરિવારથી સારો વ્યવહાર કરે. (હદીસ) આ જ પ્રકારની શિક્ષા કુઆર્ન પણ આપે છે,

‘અને હે નબી ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય, તમે જાશો કે તમારા સાથે જેની શત્રુતા હતી તે આત્મીય મિત્ર બની ગયો છે. આ ગુણ પ્રાપ્ત થતો નથી, સિવાય એ લોકોને જેઓ ધૈર્યથી કામ લે છે અને આ પદ પ્રાપ્ત થતું નથી સિવાય તે લોકોને જેઓ મોટા ભાગ્યશાળી છે. (કુઆર્ન ઃ ૪૧ઃ ૩૪-૩પ)

આજે આપણા સમાજમાં આ ગુણનો અભાવ જાવા મળે છે. જેના પરિણામે મોટાભાગે એવી દુઃખદ ઘટનાઓ બને છે જેની એક સભ્ય સમાજમાં કલ્પના જ ન કરી શકાય. વાદ-વિવાદ, લડાઈ-ઝઘડાથી વાત આગળ વધીને એટલી હદે વણસી જાય છે કે હત્યા સુધી પહોંચી જાય છે. સડક પર થતી દુર્ઘટના વખતે આપણે સાંભળીએ છીએ કે ગુસ્સામાં આવીને લોકો એકબીજાનો વાંક કાઢવાથી આગળ વધીને મારપીટ ઉપર  અને મારી નાંખવા સુધી આવી જાય છે. પિતાએ મોબાઈલ ફોન ન અપાવ્યો તો દીકરો પંખા ઉપર લટકી ગયો. દીકરીને માં એ ધમકાવી તો તેણે ઝેર પી લીધું…. આ ગુસ્સો અને સહનશક્તિ અને સમજણના અભાવે મનુષ્યના વિચારવાની-સમજવાની શક્તિને નષ્ટ કરીને તેને પશુ સમાન બનાવી દીધો છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ

‘જેઓ દરેક હાલતમાં પોતાનું ધન ખર્ચ કરે છે, ભલે ખરાબ હાલતમાં હોય કે સારી હાલતમાં,, જેઓ ગુસ્સાને પી જાય છે અને બીજાઓની ભૂલોને માફ કરી દે છે આવા નેક-સદાચારી લોકો અલ્લાહને ખૂબ પ્રિય છે. (કુઆર્નઃ ૩-૧૩૪)

અહીં કુઆર્ન માનવીના એ ગુણનું વર્ણન કરે છે જે માનવને ખરા અર્થમાં માનવ બનાવે છે તેના હૃદયને ઉદાર બનાવે છે. તેને સહનશક્તિની ક્ષમતા વધારવાની શિક્ષા આપે છે અને આવા મનુષ્યો જે આવા ગુણો ધારણ કરે છે તેમને અલ્લાહ પસંદ કરે છે અને આવા સદાચારી લોકોને દુનિયા પણ પસંદ કરે છે.

અલ્લાહના પ્રિય નબી સ.અ.વ.એ એક કબીલાના સરદારની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘તમારામાં જાવા મળતા બે ગુણ એવા છે જેને અલ્લાહ પસંદ કરે છે, એક ઉદારતા છે અને બીજા સહિષ્ણુતા.’ (હદીસ)

આ ગુણથી પરિપૂર્ણ તે જ   હોઈ શકે છે જે સમજ અને ડહાપણથી કામ કરનારો હોય. જેની દૃષ્ટિ મૃત્યુ પછીના જીવન પર  મંડાયેલી હોય. જે પોતાના ગુસ્સાને વશમાં રાખે છે, જે ગુનાઓથી બચે છે, વિપદાઓમાં સંયમ અને ધીરજથી કામ લે છે અને શત્રુથી બદલો લેવાની શક્તિ ધરાવતો હોવા છતાં ક્ષમા કરી શકે છે. આ કાર્ય હૃદયની ઉદારતા

અને સહિષ્ણુતા વગર લઈ શકતા જ નથી.

અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ.ના જીવનમાં આવા અનેક ઉદાહરણ જાવા મળે છે. આપ સ.અ.વ.એ સ્વયં પોતાની જાતના માટે કોઈનાથી બદલો લીધો નથી. પોતાના દુશ્મનોને માફ કરતા રહ્યા. મક્કા વિજય વખતે જે લોકોએ આપ અને આપના સાથીઓ ઉપર અનહદ જુલ્મો અને દમન કર્યા હતા તેમને સરેઆમ  જાહેર માફ કરી દીધા. બલ્કે જેને માફ કરી દેતા તેમના માટે દુઆ પણ કરતા. આપ સ.અ.વ.નું સદ્‌વર્તન, આપ સ.અ.વ.ની ઉદારતા અને સહનશીલતા ઘણા લોકોના દિલ જીતી લેતી હતી.

માનવતાના પયગંબર સ.અ.વ.એ એ વૃદ્ધ સ્ત્રીને કયારેય કંઈ જ ખોટું ખરું ન કહ્યું. જે રસ્તેથી પસાર થતી વખતે આપના ઉપર બારીમાંથી કાયમ કચરો નાંખતી હતી. જ્યારે તે બીમાર પડી ગઈ અને બે દિવસ સુધી કચરો નાંખવા ન  આવી તો આપ સ.અ.વ.ને ચિંતા થઈ તેની ખબર પૂછવા ઘરમાં ગયા તો આપના આવા અભૂતપૂર્વ સદ્‌વર્તનથી તે તો દિગ્મૂઢ થઈ ગઈ. તેનું દિલ ભીંજાઈ ગયું અને તરત જ સત્ય સંદેશને સ્વીકારી લીધો.

સમામા એક કબીલાના સરદાર હતા. અલ્લાહના નબી સ.અ.વ. અને મુસલમાનોથી નફરત કરતા  હતા. ઘણા સહાબીઓની હત્યાનો તેમના પર આરોપ હતો. એક વાર

 સંયોગથી તેઓ પકડાઈ ગયા. દયાળુ નબી સ.અ.વ.એ પોતાના સાથીઓને તેમની સંભાળ રાખવાનું કહ્યું, પછી ત્રણ દિવસ સુધી તેમનાથી વાતચીત કરતા રહ્યા અને પછી તેમને છોડી દેવાનો આદેશ આપી દીધો. આ વ્યવહારથી સમામા ખૂબજ પ્રભાવિત થયા કે એક પ્રખર  શત્રુ સાથે આટલી હદે સદ્‌વર્તનઃ તરત જ હૃદય પરિવર્તન થઈ ગયું.

સાચા મનથી સાક્ષી આપી કે મુહમ્મદ સ.અ.વ. અલ્લાહના સાચા નબી અને માનવતાના પયગંબર છે અને હવે તેમની હાલત એ હતી કે નબી સ.અ.વ.થી અધિક તેમને કોઈ જ પ્રિય ન હતું.

ઇસ્લામનું શિક્ષણ એક વ્યક્તિને સારો માનવી બનાવવા અને આદર્શ સમાજના નિર્માણમાં સહાયક બને છે. જેનો આધાર એક અલ્લાહ પર ઈમાન અને તમામ માનવોનું ભાઈ-ભાઈ હોવું છે. આપણા બધાનો માલિક, સર્જનહાર અને પાલનહાર એક અલ્લાહ છે. બધા તેના બંદા છે. તમામ એક જ માબાપના સંતાન છે. એક જ રંગનું લોહી તમામની નસોમાં વહે છે. ઇસ્લામે ઉંચ-નીચ, અસ્પૃશ્યતા, ધનવાન-નિર્ધન, દેશ, ભાષા અને જાતિ-પ્રજાતિના તમામ ભેદભાવોને મિટાવી દીધા છે. અલ્લાહની દૃષ્ટિમાં તે વ્યક્તિ ઉત્તમ છે જે ઈશભય ધરાવે છે, જેનું હૃદય વિશાળ અને ઉદાર હોય, જેનામાં વિનમ્રતા, શાલીનતા, સહિષ્ણુતા, કરૂણા અને સહાનુભૂતિના ગુણ જાવા મળતા હોય.

આ સંસાર નશ્વર છે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિંત છે. માનવીનું મૃત્યુ આ દુનિયાથી તેના સંબંધને નષ્ટ કરી દે છે. પરલોકમાં મનુષ્યનું ઈમાન અને તેના કર્મ જ તેના અંતિમ પરિણામ અને તેના ભાગ્યમાં સ્વર્ગ હશે કે નર્ક તેનો આધાર હશે. મનુષ્યનું ઉત્તરદાયિત્વ છે કે આજના શાંતિપૂર્ણ સમાજના નિર્માણ અને પરલોકમાં સફળ પરિણામ-હેતુ સારા ગુણ અને સારા કર્મને જીવનપર્યંત અપનાવે. •

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here