અહમદઆબાદ
અહમદઆબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂરી થતાં તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો પૂર્વ બની ગયા છે. આથી નાગરિકોને જરૂરી ફોર્મ પર સહી-સિક્કા કરાવવા માટે જે તે વિસ્તારના ધારાસભ્યો પાસે જવું પડે છે, જે કેટલાક કિસ્સાઓમાં શકય ન બનતા લોકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
આથી મકતમપુર વોર્ડના પૂર્વ મ્યુ. કાઉન્સિલર હાજીભાઈ મિર્ઝાએ કલેકટરને પત્ર પાઠવી નાગરિકોને થતી હાલાકી નિવારવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કલેકટરને પાઠવેલા પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું કે મકતમપુર વોર્ડના સરખેજ, જુહાપુરા, ફતેહવાડી સહિત આસપાસના લોકોને આધારકાર્ડ કે જન્મતારીખના સુધારા કરાવવા માટે મ્યુ. કોર્પોરેટરના સહી-સિક્કા ચાલતા હતા, પરંતુ હાલમાં ચૂંટાયેલ પાંખના મ્યુ. કાઉન્સિલરોની મુદ્દત પૂરી થઈ જતાં અને નવી ચૂંટણી લંબાવાતાં એ કોર્પોરેટરો ભૂતપૂર્વ થઈ જતાં આવા સહીસિક્કા કરાવવામાં મોટી હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ધારાસભ્યો આવા સહી-સિક્કા માટે ના પાડી દે છે. આવામાં પૂર્વ કોર્પોરેટરોને ખાસ કિસ્સામાં સહી-સિક્કા કરવાની સત્તા આપવા અથવા તો આ અંગે અન્ય યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની તાકીદે જરૂરત છે.