ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
109

અનુવાદઃ

અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ મારૃં ઉદાહરણ અને મારા પહેલાં થઈ ગયેલા અંબિયા અ.સ.નું ઉદાહરણ એવું છે કે જાણે કોઈ વ્યક્તિએ એક ઈમારત બનાવી અને તેને ખૂબજ સરસ અને સુંદર બનાવી, પરંતુ એક ખૂણામાં એક ઈંટની જગ્યા છૂટેલી હતી. લોકો તેની આસપાસ ફરતા અને તેની ખૂબી ઉપર આશ્ચર્ય વ્યકત કરતા હતા, અને કહેતા હતાઃ આ ઈંટ પણ કેમ મૂકી દેવામાં ન આવી ? તો એ ઈંટ હું છું અને હું ખાતિમુન્નબીય્યિન (અંતિમ નબી) છું.’ર (બુખારી, મુસ્લિમ)

સમજૂતીઃ

ર મુસ્લિમમાં આ વિષયને લગતી ચાર હદીસો આવી છે. એક હદીસમાં આ શબ્દો મળે છે ‘પછી હું આવ્યો અને મેં નબીઓ અ.સ.ના સિલસિલા (ક્રમ)ને ખતમ કરી દીધો.’ મુસ્નદ અબૂ દાઊદ તિયાલિસીમાં આ હદીસ જાબિર બિન અબ્દુલ્લાહ રદિ.ની રિવાયતોના સિલસિલામાં આવી છે. અંતિમ શબ્દો તે હદીસના આ છેઃ મારા દ્વારા અંબિયા અ.સ.નો સિલસિલો સમાપ્ત થઈ ગયો.’ આ હદીસથી જણાય છે કે નબી સ.અ.વ.ના આગમનથી નબુવ્વતની ઇમારત સંપૂર્ણ થઈ ગઈ અને કોઈ જગ્યા બાકી ન રહી, જેને પૂરી કરવા માટે કોઈ નબીના આવવાની (આગમનની) જરૃરત હોય. નબુવ્વત અને રિસાલતનો સિલસિલો આપ સ.અ.વ. ઉપર પૂૂર્ણ થઈ ગયો. આપ સ.અ.વ. પછી જે વ્યક્તિ પણ નબુવ્વતનો દાવો લઈને ઉઠે તે જુઠ્ઠો અને મક્કાર છે.

અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુઃ મારી અને ઈસા અ.સ.ની વચ્ચે કોઈ નબી નથી અને તેઓ (ઈસા) અ.સ.) અવશ્ય ઉતરશે. જ્યારે તમે તેમને જોશો તો તેઓ એક મધ્યમ કદના તથા લાલ અને શ્વેત (ગોરા) રંગના તેમજ બે કેસરી ચાદરો ઓઢેલા હશે. (તેમના પર એવી તાજગી હશે કે જાણે તેઓ હમણાં જ ગુસ્લ કરીને આવી રહ્યા હોય), જાણેકે તેમના માથા પરથી પાણીના ટીપાં ટપકી રહ્યા છે. જો કેતેમને ભીનાશ સ્પર્શી પણ નહીં હોય. તેઓ ઇસ્લામ માટે લોકોથી યુદ્ધ કરશે.’૩ (અબૂ દાઉદ)

સમજૂતીઃ

૩ આ હદીસ બતાવે છે કે હઝરત ઈસા અ.સ. આસ્માન પર મૌજૂદ છે. અલ્લાહે તેમને જીવતા ઉઠાવી લીધા છે. આ વિચાર ખરો નથી કે તેમને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યા છે. અલ્લાહે તેમને લોકોની બૂરાઈથી સુરક્ષિત રાખ્યા. તેઓ કયામતની નજીક અલ્લાહના હુકમથી દુનિયામાં ફરીથી પધારશે, અને ઇસ્લામની સેવા બજાવશે. હઝરત મુહમ્મદ સ.અ.વ.ના આગમન અને હઝરત મસીહ અ.સ.ના ફરીથી પધરામણી વચ્ચે કોઈ નબી આવનાર નથી.

અનુવાદઃ

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ અમે (હું) સૌથી અંતિમ છીએ (છું). અને કયામતના રોજ સૌથી પ્રથમ થઈ જઈશું (જઈશ). ફકત આટલી વાત છે કે અગાઉના લોકોને ગ્રંથ અમારા (મારા)થી પહેલાં આપવામાં આવ્યા છે અને અમને (મને) તેમના પછી આપવામાં આવ્યો છે.’ (બુખારી, મુસ્લિમ, નસાઈ)

સમજૂતીઃ

૪ આ રિવાયતથી પણ જણાયું કે હઝરત મુહમ્મદ સ.અ.વ.ની રિસાલત અંતિમ રિસાલત છે. આપ સ.અ.વ. ઉપર વહ્ય તથા નબુવ્વતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો. આ હદીસથી આપ સ.અ.વ.ની ઉમ્મતની ફઝીલત ઉપર પણ પ્રકાશ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here