દેશની આર્થિક સ્થિતિ અંગે સરકારી દાવાઓ અને તેની વાસ્તવિકતા

0
131

ભારતીય અર્થતંત્ર દિન-પ્રતિદિન અધોગતિનો ભોગ બનતું જઈ રહ્યું છે. પરંતુ કહેવાઈ રહ્યું છે કે વર્તમાન ભાજપ સરકારે જે કાંઈ કર્યું છે, તે આ જ સુધી અન્ય કોઈપણ સરકારે નથી કર્યું. જ્યારે કે આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ભારતને જે આર્થિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું ઉદાહરણ પાછલા ૭૦ વર્ષમાં કયાંય નથી મળતું. સરકારી અહેવાલના જ આંકડાઓ જણાવે છે કે ઈ.સ.ર૦૧૬થી ઈ.સ.ર૦૧૭ દરમ્યાન બેરોજગારી કે બેકારીનું પ્રમાણ (દર) છેલ્લા ૪પ વર્ષમાં સૌથી વધુ રહ્યું. આમ છતાં પોતાની નિષ્ફળતાઓને છુપાવવાના પ્રયત્નોમાં સરકાર સતત વ્યસ્ત છે, અને મૂળ કે સાચા મુદ્દા તરફથી લોકોનું ધ્યાન અન્ય બિન જરૂરી કે ઓછા મહત્વની બાબતો તરફ ખસેડી (ડાઇવર્ટ) રહી છે. એમાં ‘એનઆરસી’ ટ્રાફિકના નવા કાયદાઓ અને હાલમાં વોટર વેરિફિકેશન જેવી કેટલીક બાબતો સામેલ છે. આ ઉપરાંત પણ એક લાંબી યાદી એવી બાબતોની રજૂ કરી શકાય એમ છે જે ઓછી મહત્વની કે હાલમાં જરૂરત ન હોય એવી છે. એવી બાબતોમાં હાલમાં લોકોને કામે લગાવી દીધા છે. જેથી લોકો હાલની આર્થિક મંદી, બેરોજગારી અને અન્ય જરૂરી બાબતો વિશે સરકારને પ્રશ્ન પણ ન પૂછી શકે અને ઘેરી પણ ન શકે. સાથે જ ચૂંટણી વખતે જીતની તેની શકયતા પણ વધી જાય.

આમ તો આની અસર સામાન્ય પ્રજાને લાંબા સમયથી અર્થાત્‌ નોટબંદી અને ઉતાવળે લાગુ કરાયેલ ‘જીએસટી’ પછીથી વર્તાઈ રહી હતી; જ્યારે મોટાભાગે ઉદ્યોગપતિઓ સરકારની નીતિઓની ‘હા’માં ‘હા’ ભણી રહ્યા હતા તથા તેને સમર્થન પણ આપી રહ્યા હતા; પરંતુ હવે રેલો એમની નીચે પણ આવતા તેઓ પણ અકળાવવા તથા બોલવા લાગ્યા છે. તેમને પણ હવે લાગવા માંડયું છે કે પાટા પરથી ઉતરી ગયેલ અર્થતંત્રની ગાડીને ફરી અગાઉની જેમ પાટા પર લાવી તેની ગતિ ઝડપી બનાવવા માટે કયાં તો વર્તમાન સરકાર પાસે કોઈ નક્કર યોજના દેખાતી નથી, અથવા તો જે છે તે વધુ અસરકારક કે સફળ રહે તેવી નથી.

આ અંગે ખુદ સરકારના આંકડાઓ, દેશના નાના-મોટા ઉદ્યોગપતિઓ, દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થ-સંગઠનો દ્વારા રજૂ કરાઈ રહેલ આંકડાઓ તથા વિગતો, મંદી, બેરોજગારી, ઉત્પાદનમાં ઘટાડો અને વિકાસદરમાં સતત કમી જાહેર કરી રહેલ છે. આમ આ બધું જાતાં આમાં હવે શંકાને કોઈ જ અવકાશ રહેતો નથી. તેમ છતાં કેટલાક જી-હજૂરિયાઓ આ અંગે આંખમિંચામણા કરી સરકારી નીતિઓને સાચી કહી આવકારી રહ્યા છે.

આંકડાઓ અને એ પણ ખુદ સરકારી તથા કેટલીય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આ અંગે ચિંતા વ્યકત કરવા છતાં સરકાર તેના આ  નીંદનીય પગલાઓ અંગે ફેર-વિચારણા કરવા તથા તેને બદલ કે રદ કરવા તૈયાર હોય તેવું લાગતું નથી. હજુ પણ જા સમય રહેતા આ દિશામાં યોગ્ય નીતિઓ તથા પગલા ભરવામાં નહીં આવે તો તે દેશના અર્થતંત્ર માટે ખૂબજ હાનિકારક પુરવાર થશે. તેથી તાત્કાલિક ધોરણે સરકારે આ અંગે દેશહિત તથા સમાજહિત ખાતર યોગ્ય નીતિઓ અપનાવવાની તથા જરૂરી પગલાઓ ભરવાની તાતી જરૂરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here