નફરત, હિંસા અને ટોળા દ્વારા હિંસાની ઘટનાને રોકવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૩૧૩૩-૬૦૦૦૦ લોંચ કરવામાં આવ્યો.

0
76

યૂનાઇટેડ અગેંસ્ટ હેટ  દ્વારા તા. ૧૫ જુલાઈ, ૨૦૧૯ના દિવસે દિલ્હી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં હિંસા, નફરત અને ટોળા દ્વારા હિંસાની ઘટનાઓને રોકવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૩૧૩૩-૬૦૦૦૦ લોંચ કરવામાં આવ્યો છે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત વકીલો, સામાજિક કાર્યકર્તાઓ, પ્રોફેસર્સ અને વરિષ્ઠ પત્રકારોએ પોતાની વાત રજૂ કરી હતી.

આ હેલ્પલાઈન સેવાનો પરિચય કરાવતાં યૂનાઇટેડ અગેઈન્સ્ટ હેટના કન્વીનર નદીમ ખાને જણાવ્યું હતું કે “ટોળા-હિંસા, લિંચિંગ અને નફરતની હિંસાને જોતાં અમે આ ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી રહ્યા છીએ. આ હેલ્પલાઈન પીડિતોના પક્ષ જાણવા અને તેને અદાલતોમાં ન્યાય અપાવવા માટે શરૂ કરવામાં આવી છે.”

હેલ્પલાઈન સેન્ટરનો ઉદ્દેશ્ય, ટોળા હિંસાના ભોગ બનેલા લોકોને ત્વરિત ન્યાય અપાવવામાં મદદ કરવી, મીડિયા દ્વારા યોગ્ય અહેવાલો, ડોક્યુમેન્ટેશન અને ન્યાયિક મદદના પ્રયત્નો કરવા અને આ પ્રકારના હુમલાની ઘટનાઓના દસ્તાવેજ તૈયાર કરીને તેના ઉપર તબક્કાવાર આંદોલનના પ્રયત્નો કરવાનો છે. “રાજ્ય અને કેન્દ્ર સરકારો આવી ઘટનાઓ ઉપર માત્ર નિવેદનો જ કરે છે. સરકારના બધા જ દાવાઓ છતાં પણ આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.”

ફાધર માઇકલ વિલિયમ્સ, ફાઉન્ડર અધ્યક્ષ માઇનોરિટી ક્રિશ્ચિયન ફોરમે જણાવ્યું હતું કે આ એક ઉત્તમ પ્રયાસ છે.  ખ્રિસ્તીઓને પણ નિશાના બનાવવામાં આવ્યા છે અને સમગ્ર દેશમાં ઘણી ઘટનાઓ થઈ રહી છે. આ બંધારણને બચાવવા માટે બધાને આગળ આવવું પડશે. પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ સર્જીને ભારત દેશને આગળ વધારવો છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર, અપૂર્વાનંદે કહ્યું કે ભારતની વાસ્તવિકતા આ છે કે દરરોજ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. સંસદ અને મીડીયાને આના ઉપર વાત કરવી પડશે. મુસલમાન, ખ્રિસ્તીઓ અને દલિતો પર સતત હિંસા થઈ રહી છે.

પ્રોફેસર રતનલાલે કહ્યું કે રોહિત વેમુલાથી લઈને અત્યાર સુધી ઘટનાઓમાં ઘટાડો નથી થઈ રહ્યો.   લોકો ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે. આના ઉપર તરત જ રોક લગાવવી જોઈએ.

ડોક્ટર કફીલે જણાવ્યું કે ધર્મના નામ પર લોકોને મારવા ખૂબ નિરાશાજનક છે. આપણે દેશમાં નફરતની વિચારધારાથી સંઘર્ષ કરવો પડશે.

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ સંજય હેગડેએ કહ્યું હતું કે એક ભારતીય હોવાના નાતે આ સમજું છું કે દેશમાં ન્યાયને સુનિશ્ચિત કરવો આવશ્યક છે.

રવિ નાયરે જણાવ્યું કે દેશમાં નફરત અને હિંસાને સમાપ્ત કરવા માટે સરકાર નિષ્ફળ નીવડી છે.

મૌલાના હકીમુદ્દીન (જમીઅતે ઉલેમાએ હિંદ)એ કહ્યું કે અમે અત્યાચાર વિરુદ્ધ ભોગ બનેલા લોકો સાથે ઊભા છીએ. અત્યાચારીની મદદ આ રીતે કરવી છે કે તે અત્યાચાર કરવાથી રોકાઈ જાય.  ન તો અમે નિરાશ થવા માંગીએ છીએ, અને ન તો લોકો નિરાશ થાય એમ ઈચ્છીએ છીએ. આપણે બધાએ મળીને દેશને શિક્ષિત, જવાબદાર અને સારો હિંદુસ્તાન બનાવવાનો સંકલ્પ લેવાની જરૂર છે.

વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશએ કહ્યું કે હિંસા ચાહે જેની સાથે પણ હોય તેને રોકવા માટે સામુહિક પ્રયાસ કરવાની જરૂરત છે. બધાએ સાથે મળીએ ન્યાય અને શાંતિ સુનિશ્ચિત કરવી જોઈએ.

સુપ્રિમ કોર્ટના એડવોકેટ એહતિશામ હાશ્મીએ જણાવ્યું કે હેલ્પલાઈનની જરૂરત સૌથી વધારે ગ્રામીણ અને દૂરસ્થ વિસ્તારોમાં છે. ન્યાયને સુનિશ્ચિત કરાવવા માટે અમે હંમેશા તત્પર છીએ.

રાષ્ટ્રીય સચિવ, જમાઅતે ઇસ્લામી હિંદ મલિક મોહતસિમ ખાને કહ્યું કે ટોળા-હિંસા અને નફરતી હિંસાની ઘટનાઓમાં વધારો એ ખૂબજ ચિંતાનો વિષય છે. આપણે સમાજની આ સ્થિતિને બદલવા માટે પરસ્પર હળી-મળીને કામ કરવું પડશે. જીવન અને મિલ્કતોની સુરક્ષાની જવાબદારી સરકારની છે. સરકારએ આ સંદર્ભમાં નક્કર પગલાઓ ભરવાં પડશે.

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ફુઝૈન અય્યુબીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આના ઉપર જે દિશા-નિર્દેશ જારી કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને હજુ સુધી લાગૂ ન કરવું અફસોસજનક છે.

મૌલાના અબ્દુર રાઝિકે જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા આ મુદ્દે માત્ર નિવેદન આપવું પૂરતું નથી. બલ્કે અટકાવવા માટે નક્કર પગલા ભરવા અતિ આવશ્યક છે.

જેએનયૂના પ્રોફેસર ગઝાલા જમીલે કહ્યું કે નિરાશા અને ભયના આ વાતાવરણમાં સરકારોની જવાબદારી સુનિશ્ચિત કરવાના આ પ્રયત્નો ખૂબ જ પ્રશંશાપાત્ર છે.

 કાર્યક્રમના અંતે, ટાલ ફ્રી નંબર ૧૮૦૦-૩૧૩૩-૬૦૦૦૦ રિલિઝ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here