નફસાનિયત અને રુહાનિયત

0
194

આજે આપણે માનવ શરીરમાં પ્રાકૃતિક રીતે સ્થાપિત થયેલી એવી બે સિફતો (ખાસિયતો) ઉપર વાત કરવી છે જે આપણા જીવનનું ઘડતર કરવામાં મહત્તમ ભાગ ભજવે છે. નફસાનિયતની ખાસિયત (કવોલિટી, સ્પેશિયલિટી) તેને ભૌતિક રીતે દુન્યવી કામોમાં પ્રવૃત્ત રાખવાના કામમાં સહાયક રહે છે અને તેને અંદરથી પ્રોત્સાહિત કરતી રહે છે. માનવીના અંદર જા આ ખાસિયત ન હોય તો જીવન સ્થગિત થઈ જાય અને દુન્યવી વ્યવસ્થાતંત્રના ચક્રો બધં પડી જાય. યાદ રહે અલ્લાહે મહજ નફસે ઇન્સાનીને નકાર્યો નથી. એ તો ઇશરચિત સંરચના છે. અલ્લાહે ‘નફસે અમ્મારા’ (તદ્દન બગડી ગયેલો નફસ)ની બૂરાઈ કરી છે. નફસનો એક એવો પ્રકાર જેને કુઆર્નમાં અલ્લાહે ‘નફસે મુતમઈન્નહ’ કહ્યો છે તેની તો અલ્લાહે પ્રશંસા કરી છે. તેના માટે કહ્યું છે ‘હે સંતુષ્ટ આત્મા (નફસે મુતમઈન્નહ) ચાલ પોતાના રબ તરફ એ હાલમાં કે તું (અલ્લ્હથી) ખુશ અને (પોતાના રબની નજરોમાં) પસંદગીપાત્ર છે. (અલ્લાહ તેને સંબોધીને કહે છે) સામેલ થઈ જા મારા (નેક) બંદાઓમાં) અને દાખલ થઈ જા મારી જન્નતમાં.’ (સૂરઃ ફજ્ર -ર૭થી ૩૦)

પણ માનવીને કાર્યરત (એકટીવ) રાખતી આ નફસાનિયતની પ્રવૃત્તિઓ અને કાર્યશૈલીઓનું નિયમન કરવું અત્યંત જરૂરી છે. તે અંકુશમુકત થઈને કાબૂ બહાર થઈ જાય એ પરિસ્થિતિ માનવીના માટે અત્યંત ખતરારૂપ હોય છે. નફસાનિયત જા વકરી જાય, કાબૂ બહાર થઈ જાય, અલ્લાહ દ્વારા સૂચિત નૈતિક આધારશીલાઓ તોડવા લાગે તો વ્યક્તિના પોતાના અને જે સમાજ સાથે જાડાઈને તે રહી રહ્યો છે તેમાં માનવજીવનને કનડતા અને રંંજાડતા ઉત્પાતો આકાર લેવા લાગે છે. શરાબ કે ભાંગ પીને માનવી જેમ છાકટો બની જાય તેમ નફનસાનિયતને ખુશ રાખવા નૈતિક આધારમૂલ્યોને તોડનાર માનવી માનવતાના ચરણથી નીચે ઉતરી જાય છે. તે કોઈને ગણકારતો નથી, કોઈની અપીલો ઉપર ધ્યાન આપતો નથી. નીતિનિયમોને ઠોકરે મારીને તે પોતાના અરમાનો અને તૃષ્ણાઓને સંતુષ્ટ કરવા ફાવે તે કરી નાંખતા અચકાતો નથી. અને ધીરે ધીરે માનવતાના પતનના પંથે ધકેલાઈ જાય છે.

‘This is the downfall of man’s valuation and credibilty.’

પણ ઉપર કહ્યું તેમ જીવનને કાર્યરત (એકટીવેટ) રાખવા તેના અંદર નફસાનિયતનું આરોપણ કરવું અનિવાર્ય હતું, કારણ જે પરીક્ષણ માટે તેને બનાવવામાં આવ્યો હતો, તેના માટે માનવીમાં નફસ અને તેની શક્તિઓનું હોવું જરૂરી હતું. પણ માનવીની કાર્યરતતા માટે આવશ્યક  એવી આ નફસાની શક્તિઓ વકરી ન જાય, બેકાબૂ ન બની જાય, કંટ્રોલ બહાર ન થઈ જાય તે માટે અલ્લાહે એ જ માનવીના અંદર રૂહાનિયતની શક્તિઓનું પણ આરોપણ કરી રાખ્યું હતું. રૂહાનિયતની આ ક્ષમતા અલ્લાહતઆલાએ તેના અંદરમાં એક સુષુપ્ત બીજના રૂપમાં મૂકી હતી જેનું ફળવું, ફુલવું અને વિકસિત થવું માનવીની ઈચ્છાશક્તિ ઉપર અવલંબિત રાખવામાં આવ્યું હતું. ઘોર અંધકારમાં એ અંધારાંને ઉલેચવા માટે દીપક તો હાથવગો હોય પણ એની વાટને સમારવાનું, એના ગ્લાસને સાફ કરવાનું અને એના અંદર તેલ ભરીને એ દીપકને સળગાવવાનું કામ માણસે પોતે કરવું પડે તેમ માણસના અંદરમાં રહેલી પેલી નફસાનિયતને બગડતી અને ખાડે જતી અટકાવવા માટે રૂહાનિયતની શÂક્તઓને સતેજ કરીને તેના વડે ઈન્સાનિયતના દીપ પ્રગટાવવાનું કામ અલ્લાહે માનવી ઉપર છોડી રાખ્યું છે. એની અપેક્ષા કરનારને અલ્લાહતઆલા મદદ જરૂર કરે છે. (અને તેની મદદ વિના એ શકય પણ બનતું નથી) પરંતુ એના અંદર હરકત પૈદા કરવાની જવાબદારી અલ્લહે માનવીના માથે નાંખી છે.

નફસાનિયતનું ખરાબીઓ તરફ ઢસડાઈ જવું વધું કંઈ મહેનત માંગતું નથી, માણસ એક કદમ ચૂકે એટલે ખરાબીનું પ્રાગટય થવા લાગે છે પણ રૂહાનિયતને વિકસિત કરવાનું, તેને ડેવલપ કરવાનું કામ અત્યંત કઠીન છે અને જહેમતભર્યું પ્રશિક્ષણ માંગી લે છે. લાકડાને સળગાવી દેવા માટે તેના ટુકડા કરી તેને ચુલામાં નાંખવામાં ઝાઝી મહેનત પડતી નથી પરંતુ તેમાં નકસીકામ કરીને, આકર્ષક ઘાટ તૈયાર કરીને ઉમદા રાચરરચિલુ તૈયાર કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે અને એ કળા પણ શીખવી પડે છે. રૂહાનિયતના વિકાસનો પ્રોગ્રામ મહાન સર્જનહારે ઘડીને માનવજાતને એટલે જ અર્પણ કર્યો છે. તેણે કસી ખોટ રાખી નથી. પણ એ પ્રોગ્રામની પદ્ધતિઓ જાણવી, તેની ખૂબીઓને સમજવી, તેના અમલીકરણથી વ્યક્તિગત અને સામુહિક જીવનને થનારા ફાયદાઓનો તાગ મેળવવો, અગાઉના યુગોમાં એ માર્ગ ગ્રહણ કરનારા વ્યક્તિ વિશેષો અને વ્યક્તિ સમૂહોએ જગત સામે મૂકેલા દૃષ્ટાંતો અને પ્રમાણોનો ઇતિહાસ જાણવો અને તેનાથી જગતને પહોંચેલા લાભાલાભનું અવલોકન કરીને તેનાથી મળેલ જાણકારીઓનો લાભ ઉઠાવીને હાલના અને ભવિષ્યમાં આવનારા માનવસમૂહોને તેનાથી અવગત કરાવવા એ દરેક યુગના માનવશ્રેષંઠીઓની અગત્યની જવાબદારી છે. જા તેવો આ કામ  નહીં કરે તો બગાડ અને ફસાદોનું પ્રમાણ શ્વાસસોશ્વાસને રૂંધી નાંખનારા હવામાનીય પ્રદૂષણની જેમ તમામ માનવજાતને ચારેકોરથી ઘેરી લેશે, પછી કોઈ ઉપાય કામ નહીં લાગે. સારા માણસોને પણ તેના ભોગ બનવું પડશે અને પછી અનેક લોકો અલ્લાહ-ઇશ્વરથી યાચનાઓ કરશે તો પણ પરિણામ શૂન્ય જ રહેશે.

માનવજાત આ સત્યને જાણે છે. દરેક રીતે બગડી ચૂકેલી નફસાનિયતે વિશ્વભરમાં જે કાળો કેર વર્તાવ્યો છે તેનાથી લોકમાનસ અજાણ તો નથી જ. તમામને તેના કુપરિણામો ભોગવવા પડી રહ્યા છે. પણ જેમ કેન્સરની સામે માણસ અને ચિકિત્સકો પણ  લાચાર થઈ જાય તેમ મોટાભાગનું જનમાનસ હતાશ થઈને તમાશો જાયા કરે છે. માનવતાના શરીરો ઉપર આરીઓ ચાલી રહી છે, ભલાઈના ફળઝાડો સૂકાવા લાગ્યા છે, બૂરાઈના ખારદાર જંગલો ઝડપથી ફેલાતાં જાય છે, પણ પરિવર્તન ઝંખતી પેલી આકાંક્ષા પથારીમાંથી ઉઠવાનું નામ લેતી નથી ! બોલી-બબડીને અને શાબ્દીક આક્રોશ ઠાલવીને પછી ચુપ થઈ જવું એ આમ સમાજજીવનનો નિત્યક્રમ બની ગયો છે. બૂરાઈઓ, ફસાદ, અરાજકતા ફેલાવનારી અને વિશ્વશાંતિમાં આગ ચાંપનારી નફસપરસ્ત શક્તિઓ વિશ્વભલાઈ ચાહકોની આ કમજારીને બરાબર ઓળખી ગયા છે. તેમની સામે ઉઠનાર દરેક અવાજને દબાવી દેવાના કારસાઓ તેમણે પ્રાયોજિત રીતે બનાવી રાખ્યા છે. વિશ્વભરમાં ચાલી રહેલી આ પ્રકારની ગતિવિધિઓનો અનુભવ આપણે સારી રીતે કરી રહ્યા છીએ. જગતની ગાડી ઝડપથી વિનાશના પંથે થઈ રહી છે અને એ ટ્રેઈનમાં આરામથી બેસીને આપણે વાતો અને ચર્ચાઓમાં ગળાડૂબ છીએ. શું આ તંદુરસ્તીની નિશાની છે ખરી ? શું આ બૌદ્ધિકતાનું જમા પાસુ કહેવાશે

ખરૂં ? અને જ્યારે આખા વિશ્વને કંપાવી દેનારો ભયાનક વિનાશ તૂટી પડશે ત્યારે આપણે સુરક્ષિત રહી શકીશું ખરા ? ઈલાજ એક જ છે. નફસાનિયતને સંયમિતતાની લગામો પહેરાવીને રૂહાનિયતની શક્તિઓને જગાડી તેને વિકાસ આપવાની મહેનતમાં લાગી જવું.

તમામ કલ્પીત આરાધ્યોને છોડીને, બ્રહ્માંડ, વિશ્વ, જીવસૃષ્ટિ અને ભૌતિક ઉપલબ્ધીઓનું સર્જન કરનાર અલ્લાહ-ઇશ્વરનું ઈમાનદારીપૂર્વક શરણ પકડીને અને મજબૂત નિર્ધાર સાથે વૈશ્વિક ભલાઈના આધારોને જગતભરમાં કાયમ કરવા માટે સમય, શક્તિ, સંપત્તિ અને સમજબૂઝથી કામ લઈને વિશ્વભલાઈ ચાહનારા લોકોએ એકજૂથ થઈને કાર્યરત બનવું પડશે. જેણે આપણને જન્મ આપ્યો, ધરતીના ગ્રહને જેણે આપણા માટે આશ્રયસ્થાન બનાવ્યો, જેણે જીવન આપીને અને જીવનજરૂરી ભૌતિક સંસાધનોની ભરપુર ખૈરાત કરીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો તે અલ્લાહ-ઈશ્વરના ઉપકારોને યાદ કરીને, તેની સાથે મજબૂત સંબંધ જાડીને, અને રૂહાનિયતને ડેવલપ કરવા માટે તેણે આપેલા પ્રોગ્રામ અનુસાર કામ કરવા આપણે તૈયાર થવું પડશે. તો જ માનવ સમાજાને અને વિશ્વવ્યવસ્થાને આપણે ખાડે જતી અટકાવી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here