બાબરી મસ્જિદનો ચુકાદો ન્યાય મુજબ આવવાની આશા

0
146

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડની મહત્વની બેઠકમાં આ ઉપરાંત અન્ય બાબતો અંગે મંજૂર કરાયેલ ઠરાવો

લખનૌ,

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોડની કારોબારી સમિતિની એક મહત્વની બેઠક હાલમાં જ તા.૧ર ઓકટોબર-૧૯ના રોજ દારુલ ઉલૂમ નદ્‌વતુલ ઉલમા, લખનૌ ખાતે બોર્ડના પ્રમુખ મૌલાના સૈયદ મુહમ્મદ રાબેઅ હસની નદવીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ અને તેમાં વિવિધ બાબતો અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ નિમ્નલિખિત ઠરાવો મંજૂર કરવામાં આવ્યા. (૧) બાબરી મસ્જિદ અંગે ભારતના મુસલમાનોનું વલણ એ જ છે કે જે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડ તરફથી  વારંવાર વ્યકત કરવામાં આવ્યું છે કે જે જગ્યા મસ્જિદ માટે વકફ કરી દેવામાં આવે તે હંમેશ મસ્જિદ તરીકે જ બાકી રહે છે. તેની હૈસિયતમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. આથી ન તો મુસલમાનો તેનાથી અળગા થઈ તેને છોડી શકે છે અને ન તો તેને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી શકે છે. મુસલમાનોનું આ દૃષ્ટિકોણ સંપૂર્ણપણે ઐતિહાસિક તથ્યો અને સાક્ષીઓ તથા પુરાવાઓ પર આધારિત છે કે બાબરી મસ્જિદ કોઈ મંદિરને ધ્વસ્ત કરીને, અથવા તો કોઈ મંદિરની જગ્યા પર બાંધવામાં નથી આવી. બાબરી મસ્જિદ વિશે કેટલાક વર્તુળો તરફથી સમાધાન કે સમજૂતીની વાત અવારનવાર આવતી રહે છે અને બોર્ડ પૂરા એખલાસ સાથે સમાધાનની એવી કાર્યવાહીઓમાં ભાગ પણ લીધો કે જેથી ન્યાય પર આધારિત કોઈ ઉકેલ આવે, જે સૌના માટે સ્વીકારપાત્ર હોય, પરંતુ વારંવાર પ્રયત્નો પછી પણ આ વાત તદ્‌ન સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ સમસ્યા (જે વાસ્તવમાં કોઈ સમસ્યા છે જ નહીં, પરંતુ તેને જબરદસ્તીથી સમસ્યા બનાવી દેવામાં આવી છે.) અંગે દેખીતી રીતે જ સમજૂતીની કોઈ જ શકયતા જણાઈ નથી. આથી અત્રે સ્પષ્ટ કરવામાં આવે છે કે હવે જ્યારે આ કેસ તેના અંતિમ તબક્કામાં છે, સાધાન-સમજૂતીનો કોઈ મોકો બાકી નથી રહ્યો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડના વકીલોએ સિનિયર એડવોકેટ ડોકટર રાજીવ ધવનના નેતૃત્વમાં જે દલીલો અને પુરાવાઓ અદાલતમાં રજૂ કર્યા છે તેના આધારે પૂરી આશા રાખવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટમાં કેસનો ચુકાદો બાબરી મસ્જિદના પક્ષ (તરફેણ)નો જ આવશે, જે વાસ્તવિકતા અને સત્ય પર આધારિત હશે. આ પણ એક નક્કર  હકીકત છે કે આ કેસ ઉપર માત્ર ભારતની જ નહીં બલ્કે સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે અને લોકો આ આશા ધરાવે છે કે દેશની સર્વોચ્ચ અદાલત-સુપ્રીમ કોર્ટ ભારતીય બંધારણ દેશના કાયદાઓ અને તથ્યો તેમજ પુરાવાઓને દૃષ્ટિ સમક્ષ રાખશે. આમાં શંકા નથી કે સિનિયર એડવોકેટ ડોકટર રાજીવ ધવન, સિનિયર એડવોકેટ શેખર ….., સિનિયર એડવોકેટ મિનાક્ષી અરોરા, સિનિયર એડવોકેટ યૂસુફ હાતિમ મુછાલા, સિનિયર એડવોકેટ ઝફરયાબ જીલાની અને એડવોકેટ ઓન રેકોર્ડ જનાબ શકીલ અહમદ સૈયદ, એમ.આર. શમ્શાદ, એ’જાઝ મકબૂલ, ઈર્શાદ અહમદ, ફુઝૈલ અહેમદ ઐયૂબી અને જૂનિયર વકીલો માનનીય આકૃતિ ચૌબે, કુર્રતુલ ઐન, પરવાઝ વાહાઝ, ઉઝમા જમીલ હુસૈન, આદિત્ય અને માનનીય સાયરા હક્ક તેમજ અન્ય જૂનિયર વકીલોએ અસાધારણ મહેનત સાથે આ કેસમાં સાથ આપ્યો. બોર્ડ આ તમામને આભારની દૃષ્ટિએ જુએ છે.

(ર) ભારત એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય દેશ છે. અહીં રહેનાર દરેક નાગરિકને પોતાના ધર્મ પર અમલ કરવા-ચાલવાની તેમજ ધાર્મિક ઓળખ સાથે જીવન વિતાવવાની બંધારણીય સ્વતંત્રતા છે. સમાન સિવિલ કોડ લાવવા માટે ન્યાયતંત્ર કે કાયદાતંત્ર દ્વારા જે પણ પ્રયાસ કરવામાં આવશે, બોર્ડ તેનો ભારે વિરોધ કરશે. અહીં આ વાત પણ સ્પષ્ટ કરી દેવી જરૂરી છે કે આ સમસ્યા ફકત મુસલમાનોની જ નથી બલ્કે આનાથી દેશની અન્ય લઘુમતીઓ તથા કબીલાઓ (અનુસૂચિત જનજાતિ) પણ પ્રભાવિત થશે. આથી આ બેઠક-સભા ભારત સરકારથી માગી કરે છે કે તે આ પ્રકારનું કોઈપણ પગલું ન ભરે.

(૩) ટ્રિપલ તલાક સંબંધિત જે કાયદો સંસદમાં મંજૂર થઈ ગયો છે તે કાયદો શરીઅતમાં હસ્તક્ષેપ છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા ભારતીય બંધારણની પણ વિરુદ્ધ છે. આ ઉપરાંત આનાથી મહિલાઓ તથા બાળકોના હિત પણ  પ્રભવિત થશે. આથી બોર્ડે આ નિર્ણય લીધો છે કે તે આ કાયદાને ન્યાયાલયમાં પડકારશે, અને ટૂંક સમયમાં જ આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ-પિટિશન દાખલ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here