મૂળભૂત માનવાધિકાર ઇસ્લામી પરિપ્રેક્ષ્યમાં

0
302

માનવ અધિકારોનો આ મેનિફેસ્ટો વાસ્તવમાં પશ્ચિમ માટે એક મજબૂરી હતી,કારણ કે વીસમી સદીનો પ્રારંભિક સમય માનવજાત માટે અત્યંત ઘાતકી, દુઃખદાયી, નિર્દયી તેમજ અવિસ્મરણીય સમયગાળો હતો, જેમાં બે ઐતિહાસિક યુદ્ધો લડાયા જે “વિશ્વ યુદ્ધ” ના નામે પ્રચલિત છે.આ યુદ્ધોએ ન્યુ વર્લ્ડ અમેરિકાથી લઇ પૂર્વીય છેડાના દેશોમાં છેક જાપાન સુધીના દેશોને પોતાની લપેટમાં લીધા હતા અને યુદ્ધનો એ રાક્ષસ ત્યાં સુધી તૃપ્ત અને સંતૃષ્ટ ન થયો જ્યાં સુધી તેણે લાખો લોકોના ખૂનથી પોતાની તરસ ન છિપાવી લીધી. 

કહેવાય છે કે જયારે કોઈ વસ્તું પોતાની અંતિમ હદોમાં પહોંચે છે ત્યારે તે અધોગતિ અને વિનાશ તરફ સરકવા લાગે છે,આમ જયારે યુદ્ધનો નશો પોતાની મર્યાદા અને હદો પાર કરવા લાગ્યો અને માનવતા તેની નિર્દયતાથી ધ્રૂજી ઉઠી ત્યારે જ બર્બરતાની ઘોર અંધેર રાત્રી માંથી માનવતાના પ્રકાશની ચિંગારી પ્રગટી.અનેક દેશોમાં માનવ અધિકારો વિશે કાનૂન ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ,અને વિશ્વભરના ન્યાયપ્રિય અને સમજદાર લોકોએ હાકલ કરી કે કોઈ એવા મૂળભૂત માનવ અધિકારો હોવા જોઈએ જેનું સન્માન અને આદર યુદ્ધ તેમજ શાંતિ એમ બંને સમયગાળામાં જરૂરી લેખાય.છેવટે આ સ્વપ્ન એ રીતે સાકાર થયું કે ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ અસેમ્બલીએ માનવ અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરી તેને પસાર કરવામાં સફળતા મેળવી,પરંતુ આજેય આ મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર વાસ્તવમાં એક રમકડાથી વધારે મહત્વ ધરાવતું નથી,કારણ કે સભ્ય રાષ્ટ્રો આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા-ન કરવાને મામલે સ્વતંત્ર છે.બીજું એ કે આ ઘોષણાપત્ર કોઈ વ્યÂક્તને એ અધિકાર નથી આપતું કે તે આ સંદર્ભે પોતાના કેસને આંતરરાષ્ટ્રીય  અદાલતમાં લઈ જઈ શકે.ત્રીજું એ કે સુપર પાવર દેશો છડેચોક આ ઘોષણાપત્રના ધજાગરા ઉડાડતા હોય છે અને છતાં પણ કોઈ એમનો વાળ સુદ્ધાં વાંકો કરી શકતું નથી.મોટાભાગે કમજોર અને અશક્ત દેશો પર દમન અને અન્યાય કરવા માટે આ ઘોષણાપત્રને આધાર બનાવવામાં આવે છે.ન્યાયના આવા બેવડા ધોરણો વાસ્તવમાં માનવ અધિકારોની હિમાયતને નામે માનવ અધિકારોની પાયમાલી અને બરબાદીનું માધ્યમ બન્યા છે.

માનવ અધિકારો વિશે ઇસ્લામી અભિગમ 

વાસ્તવિકતા તો એ છે કે માનવ અધિકારોનો બેઝિક કોન્સેપ્ટ (મૂળ અભિગમ) અને તેની વિસ્તૃત સમજ વિશ્વના જાણીતા અને માન્ય ઈતિહાસમાં સૌ પ્રથમ હઝરત મુહમ્મદપયગંબર સાહેબ અને મુહમ્મદી શરીયાના માધ્યમથી વિશ્વને મળી છે.ઇસ્લામી દ્રષ્ટિકોણથી જોઈએ તો માનવ અધિકારો બાબતે ઇસ્લામી અભિગમનો પાયો મુખ્ય ચાર બાબતો પર છે.

પ્રથમ એ કે માનવી પોતે માનવ હોવાને કારણે આદરપાત્ર અને સન્માનપાત્ર છે. આ આદર અને સન્માનનો તકાદો છે કે તેની જાનનું રક્ષણ કરવામાં આવે,ભલેને પછી તેનો સંબંધ કોઈ પણ જાતી,ધર્મ કે પ્રદેશથી હોય!  અને એથીય વધુ જો તે અપરાધી હોય અને તેનો ગુનો કે અપરાધ એ સ્તરનો ન હોય જેના કારણે તે મુત્યુદંડનો સજાપાત્ર હોય,તો તેની પણ જાન રક્ષણપાત્ર છે.તેમજ માનવ સન્માનનો તકાદો તેના માલનું રક્ષણ કરવાનો પણ છે,દરેક માણસની માલ-મિલકત સરખી રીતે આદરપાત્ર છે,જોર-જબરદસ્તી અને ધોખેબાજી કે ઠગાઈ કરી કોઈનો માલ લેવો ગેરકાનૂની અને ગેરવાજબી છે,પછી તે દુશ્મનનો પણ કેમ ન હોય! “અને તમે લોકો ન તો પરસ્પર એક-બીજાની સંપત્તિ અનુચિત રીતે ખાઓ અને ન અધિકારીઓ સમક્ષ તેને એ આશયથી રજૂ કરો કે તમને બીજાઓની સંપત્તિનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક અન્યાયી રીતે ખાઈ જવાની તક મળી જાય.” (સૂરઃબકરહ-૧૮૮) માનવ આદરનું જ એક પાસું એ પણ છે કે સ્વાયત્તતા,સ્વાધીનતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ તેને મળે અને જ્યાં સુધી તેનું કોઈ કૃત્ય અન્ય લોકો માટે નુકસાનકારક અને લાગણી દુભાવાનું કારણ ના બને ત્યાં સુધી તેને પોતાના અભિપ્રાય અને માન્યતા મુજબ વર્તવાની આઝાદી મળે.કુરાને તો ધર્મની બાબતમાં પણ દુન્યવી જીવનમાં તેને નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે.                  “દીન (ધર્મ)ના મામલામાં કોઈ બળજબરી નથી.” (સૂરઃબકરહ-૨૫૬), “ તમારા માટે તમારો દીન (ધર્મ) છે અને મારા માટે મારો દીન (ધર્મ).” (સૂરઃકાફિરૂન-૬) માનવ સન્માનમાં એ વાત પણ સામેલ છે કે માનવીના માન-મોભા અને પ્રતિષ્ઠાની સંભાળ લેવાય.કોઈ વ્યક્તિની વંશાવલીને ટાર્ગેટ  કરવામાં ન આવે.તેથી જ ઇસ્લામી દ્રષ્ટીએ વ્યભિચાર એ અત્યંત ગંભીર ગુનો ગણાય છે.

આવા બધાંજ પાસાઓને સાંકળી લેવા માટે ઇસ્લામી શરીયાના નિષ્ણાતોએ નોંધ્યું છે કે શરીઅતના બધાં હુકમોના પાંચ મૂળભૂત હેતુઓ  છે. ૧.ધર્મનું રક્ષણ  ૨.જાનનું રક્ષણ ૩.માલ-મિલકતનું રક્ષણ ૪.વંશનું રક્ષણ અને  ૫.બુદ્ધિનું રક્ષણ. આ પાંચેય હેતુઓની હેસિયત મેઈન થીમની કેન્દ્રબિંદુ છે,અને આ હેતુઓની પ્રાપ્તિ માટે જે કાંઈ અપેક્ષિત છે તે બધુજ ઇસ્લામમાં અપેક્ષિત છે.અને ખરેખર જો વિચારવામાં આવે તો આ પાંચેય હેતુઓ બધાંજ માનવ અધિકારોને સાંકળી લે છે.

(વધુ આવતાં અંકે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here