રોહિંગ્યાઈ શરણાર્થીઓ અને સંયુકત રાષ્ટ્ર સંઘ

0
243

વર્તમાન સમયમાં રોહિંગ્યા મુસલમાનોને સમગ્ર વિશ્વના સૌથી વધુ મજલૂમ એટલે કે પીડિત લઘુમતી ઠેરવવામાં આવે તો કદાચ એ ખોટું નહીં હોય. મ્યાન્માર સરકાર તેમને બાંગ્લાદેશી ઠેરવે છે અને બાંગ્લાદેશી સરકાર આ સ્વીકારવા તૈયાર નથી. ભૂતકાળમાં પણ રોહિંયાઈ મુસલમાનો પર અત્યાચારનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. તેમને નિર્દયતાપૂર્વક કતલ કરવામાં આવતા રહ્યા, તેમના ઘર અને મસ્જિદોને બાળી મૂકવામાં આવી. રોહિંગ્યાઈ મુસ્લિમો માટે મુસીબતો કે યાતનાઓનો સૌથી ખરાબ સિલસિલો ઈ.સ.૧૯૬રથી ઈ.સ.ર૦૧૦ સુધીના માર્શલ લો શાસનકાળ દરમ્યાન શરૃ થયો. આ જ દરમ્યાન તેમની વિરુદ્ધ કેટકેટલાય ક્રેકડાઉન કરવામાં આવ્યા. માર્શલ-લોમાં જ એક કાયદા હેઠળ તેમને મ્યાન્મારના નાગરિક તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યા. તે કાયદા હેઠળ તેઓ ન તો શિક્ષણ મેળવી શકતા હતા અને ન જ સરકારી નોકરીઓ. ઈ.સ.ર૦૧રમાં વિશ્વ બિરાદરી તેમના અત્યાચારોથી વાકેફ થઈ કે જ્યારે બૌદ્ધ ભિક્ષુકો અને મ્યાન્મારની આર્મીએ સેંકડો પુરૃષો-મહિલાઓ અને બાળકો સુદ્ધાંને ગાજર-મૂળીની જેમ કાપી નાખ્યા અથવા જીવતા સળગાવી દીધા. આ અંગે મુસ્લિમ-જગતમાં તો થોડી ઘણી હલચલ જોવા મળી (જે અપૂરતી હતી) પરંતુ પશ્ચિમી જગત તો બિલકુલ ખામોશ રહ્યું.

ઈ.સ.ર૦૧૭માં પોતાના સૈનિકો પર હુમલો કરવાનો આરોપ મૂકીને મ્યાન્માર સરકારે રોહિંગયા મુસલમાનો ઉપર અત્યાચારની હદ વટાવી નાંખી. લંદનની કવીન મેરી યુનિવર્સિટીના કેટલાક સંશોધકોએ અહેવાલ રજૂ કર્યો કે મ્યાન્માર સરકારની સરપરસ્તી હેઠળ રોહિંગ્યાઈ મુસલમાનોનું વંશોચ્છેદ તેના અંતિમ તબક્કામાં છે. મ્યાન્માર સરકારે આને દેશની આંતરિકબાબત ઠેરવી મીડિયાને પણ આ બાબતમાં કંઈ પણ કરવા ન દીધું. રોહિંગ્યાઈ મુસલમાનો બાંગ્લાદેશ તરફ હિજરત કરવા મજબૂર થઈ ગયા. જ્યાં તેઓ શરણાર્થી શિબિરોમાં જાનવરોથી પણ વધુ ખરાબ જીવન ગુજારવા મજબૂર છે.

આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સંયુકત રાષ્ટ્ર સંઘની જનરલ એસેમ્બલીમાં રોહિંગ્યાઈ મુસલમાનો ંસંબંધિત ઓઆઈસીના ઠરાવનું બહુમતીથી મંજુર થવું એક સારી બાબત છે. તેમાં માગણી કરવામાં આવી છે કે મ્યાનમાર સરકાર રોહિંગ્યાઈ મુસલમાન શરણાર્થીઓને પોતાના દેશમાં પાછા ફરવાની પરવાનગી અને મ્યાન્મારની નાગરિકતા પણ આપે. વિશ્વના ૧રર દેશોના સમર્થનથી મંજૂર થયેલ આ ઠરાવ ઉપર અમલ કરવાનું સંયુકત રાષ્ટ્ર સંઘ નિશ્ચિત બનાવે, જેથી આટલી મોટી માનવીય ત્રાસદી ટળી શકે અને આ ત્યારે જ શકય છે કે જ્યારે આ ઠરાવ ઉપર અમલ ન કરવાની સ્થિતિમાં મ્યાન્માર સરકારે નાણાકીય તથા આર્થીક પ્રતિબંધોનો ભય હશે.

હવે જોઈએ કે વિશ્વ જમાદાર અમેરિકા, માનવતાના દાવા કરતા અને અન્ય દેશો તેમજ સંયુકત રાષ્ટ્ર સંઘ આ કયારે શકય બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here