વાસ્તવમાં અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલા મહિલાઓ ફરિયાદી : તેમની મદદ કરો

0
236

હિન્દુસ્તાનની મોદી સરકારે પોતાના શાસનના બીજા કાર્યકાળના આરંભે જ ત્રણ તલાકનો ખરડો(હવે કાયદો) લાવવાનું જરૂરી માન્યું છે. આ અગાઉ આ ખરડો  બબ્બે વખત લોકસભામાં પસાર થવા છતાં  રાજ્યસભામાં મંજૂર થઈ શક્યો ન હતો. આમ છતાં સરકારનો હઠાગ્રહ હતો  કે મુસ્લિમ મહિલાઓ જુલ્મનો ખૂબ ભોગ બનેલ છે અને તેઓ પોતાના હક્કોથી વંચિત છે. તે એમને એમના હક્કો અપાવી અને જુલમમાંથી મુક્તિ અપાવીને જ જંપશે. અહીં વિચાર કરવાનો મુદ્દો એ છે કે જે સરકાર પોતાની મુસ્લિમ દુશ્મની માટે વિખ્યાત છે અને જે મુસલમાનો વિરૂધ્ધના ટોળાની હિંસાના આક્રમણ સામે મૂક પ્રેક્ષક બની બેસી રહી છે એટલું જ નહીં બલ્કે પરદા પાછળ તેને પ્રોત્સાહન પણ પૂરૂં પાડે  છે. તે  એકાએક મુસ્લિમ મહિલાઓની આટલી હમદર્દ કેવી રીતે બની ગઈ. જે ખરડાને કાયદાનો સ્વરૂપ આપવાના પ્રયત્નો થઈ રહ્યાં છે તેમાં રહેલી ત્રુટિઓ અને ખામીઓ  અંગે લંબાણપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. તેમાં  રહેલી અનેક ખામીઓ  પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારે તેને ધ્યાને લીધેલ નથી, અને ખરડાને ખામીઓ અને ત્રુટિઓ સાથે જ  પસાર કરાવવા માટે પ્રયત્નશીલ છે.  દા.ત.   તલાકનું વ્યવસ્થાતંત્ર અને  તેની પધ્ધતિ એક  ધાર્મિક બાબત છે, અને તેને ધર્મથી જુદી પાડી શુધ્ધ સામાજિક  બાબત ઠેરવી શકાય નહીં. મુસલમાનોના મતે ત્રણ  તલાક  એકી સાથે આપવી બિદ્‌અત અને નાપસંદ  કૃત્ય છે, પરંતુ એ બાબતે સૌ સંમત છે કે   જો કોઈ આ પધ્ધતિ અપનાવશે તો  તલાક પડી જશે. આમાં  મતભેદ માત્ર એટલો જ  છે કે  તલાક એક પડશે કે ત્રણ. હવે જો ખરડામાં  એ પેટા કલમ ઉમેરી દેવામાં આવે કે  ત્રણ તલાક એકી સાથે આપવાથી થશે જ નહીં તો એ મુસલમાનોની કૌટુંબિક બાબતોમાં સીધો હસ્તક્ષેપ છે. દેશના બંધારણે આની પરવાનગી નથી આપી. ખરડામાં એક પેટા કલમ એ પણ ઉમેરવામાં આવી છે કે એકી સાથે ત્રણ તલાક આપનારને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવશે. વારંવાર માગણી કરવા છતાં  સરકાર   દ્વારા એ પ્રશ્નનો ઉત્તર હજુ સુધી આપવામાં નથી આવ્યો  કે જો તલાક પડી જ ન હોય તો સજા શેના  માટે? આ કાયદો મુસ્લિમ મહિલાઓની હમદર્દીના નામે  લાવવામાં આવ્યો છે, પરંતુ  તેમાં એ સવાલના જવાબ અંગે પણ મૌન છે  કે જ્યારે મુસ્લિમ પતિ  ત્રણ વર્ષ માટે જેલમાં  રહેશે તો  એ અરસામાં  બાળકો અને પત્નીનું ભરણ-પોષણ કેવી રીતે થશે? અને એમની રોજબરોજની  જરૂરિયાત  કઈ રીતે પૂરી થશે? આશ્ચર્ય છે કે મુસ્લિમ મહિલાઓની હમદર્દીનો દાવો કરનારાઓને સમાજમાં ચારે તરફ જોવા મળતી  અન્ય ધર્મોની અને સવિશેષ હિંદુ  ધર્મની જુલ્મ તથા પ્રકોપનો ભોગ બનેલ મહિલાઓ નજરે પડતી નથી.દેશની એક અત્યંત ગંભીર સમસ્યા માતાના ગર્ભમાં રહેલ બાળકની હત્યા foeticide ની છે. દર વર્ષે  દસ લાખ  કરતાં વધુ બાળકીઓની  જન્મ અગાઉ એમના માતાના ગર્ભમાં  જ હત્યા કરી દેવામાં આવે છે, અને જે બચી જાય છે એ પૈકી લાખો  દહેજની ઘૃણાસ્પદ પ્રથાનો ભોગ બની  મૃત્યુ પામે છે. લગ્ન સંબંધની પ્રતીક્ષામાં તેમની ઉંમર પૂરી થઈ જાય છે.મો  માગ્યું દહેજ નહીં  લાવવાના કારણે લગ્ન પછી પણ એમનું જીવન દોહ્યલું બની જાય છે અને અંતે તલાકમાં પરિણમે છે. દેશમાં દર દસ વર્ષે   બહાર પાડવામાં આવતાં સત્તાવાર આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે  અન્ય ધર્મો સાથે સંબંધિત  તલાક-શુદા મહિલાઓનું  પ્રમાણ મુસ્લિમ મહિલાઓની સરખામણીમાં  વધુ છે. તલાક  વિના અલગ થઈ  જીવન પસાર કરનારી મહિલાઓની સંખ્યા આ ઉપરાંત છે, અને એની જંગી બહુમતિ અન્ય ધર્મોની મહિલાઓની છે. વિધવા થનાર હિંદુ મહિલાઓ  સમાજમાં કેટલી લાચાર અને વક્કરવિહીન બની જાય છે  એનો અંદાજ એ વાત ઉપરથી કરી શકાય છે  કેટલાક અહેવાલો  મુજબ  વૃંદાવન (મથુરા) અને વારાણસીના પવિત્ર સ્થળોમાં આવી લગભગ એક લાખ મહિલાઓ રહે છે જ્યાં એમના સ્વજનો એમને  દરબદર ભટકવા માટે મૂકી જાય છે .દેવદાસી પ્રથા ધર્મના નામે હિંદુ સમાજનું  વરવું ચિત્ર રજૂ કરે છે. જો કે હવે એને કાયદાનું રક્ષણ પ્રાપ્ત નથી. પરંતુ નેશનલ હ્યુમન રાઇટ્‌સ કમિશનના અહેવાલમાં  જણાવવામાં આવ્યું છે કે  દેશમાં  દેવદાસીઓની  સંખ્યા ૪,૫૦,૦૦૦ છે. માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એમની સંખ્યા ૮૦,૦૦૦ છે. વેશ્યાવૃત્તિ ભારત જેવા સભ્ય દેશ માટે કલંકરૂપ છે,  પરંતુ દેશનો ભાગ્યે જ કોઈ મોટો શહેર એવો હશે જ્યાં વેશ્યાવાડા અથવા દેહવિક્રયના અડ્ડા ન હોય. આ પૈકી મજબૂરીના કારણે પોતાની ઈજ્જતનો સોદો  કરનારી મહિલાઓના પુનર્વસનના ઉપાયો શોધવાને બદલે  એમના માટે સેક્સ-વર્કરનું  સોહામણું  નામ સૂચવવામાં આવ્યું છે, અને તેમના ગંદા વ્યવસાયને કાયદાકીય સંરક્ષણ પૂરૂં પાડવાના પ્રયત્નો  કરવામાં આવે છે. દેશના મોટા શહેરોમાં હજારોની સંખ્યામાં બાર મોજૂદ  છે જ્યાં  લાખો છોકરીઓ  પોતાના પેટનો ખાડો પૂરવા  પોતાના શરીરનું પ્રદર્શન કરે છે. દારૂ ઉપર પ્રતિબંધ મૂકવાનો તો સવાલ જ ઊભો થતો નથી, કારણ કે એમાંથી તો સરકારને જંગી નફો પ્રાપ્ત થાય છે. અહેવાલો મુજબ  દેશમાં દર વર્ષે ૩૦  લાખ લોકો  મદ્યપાનના કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ પૈકી આઠ લાખ મહિલાઓ હોય છે. માતાના ઉદરમાં ભ્રૂણની હત્યા ,દહેજના કારણે થતાં મૃત્યુ,વિધવા અવસ્થામાં  લાચારી પૂર્ણ જીવન,દેવદાસીની પ્રથા, વેશ્યાવૃત્તિ,બાર ગર્લનો વ્યવસાય, અને મધપાન મૂળભૂત રીતે  બિનમુસ્લિમ સમાજની સમસ્યાઓ છે. મુસલમાનો સિવાય અન્ય ધર્મ સાથે સંબંધિત મહિલાઓ એનો સીધો ભોગ બને છે, અથવા તેઓ એની માઠી અસરોથી સુરક્ષિત નથી.. જો દેશના શાસકોએ આ સમસ્યાઓથી પોતાની આંખો મીંચી લીધી છે અને એમાં સપડાયેલી મહિલાઓને  આ વમળમાંથી બહાર કાઢવાના પ્રયત્નો તેઓ નથી કરતા.તેમના માટે એમની જીભ ઉપર સહાનૂભૂતિના બે શબ્દો પણ નથી આવતાં.તેઓ માત્ર મુસ્લિમ મહિલાઓ  સાથે થતાં અન્યાય અને અત્યાચારના રોદણાં રડે છે. પોતાને એમના મુક્તિદાતા  અને મસીહા દેખાડવા માટે  બુદ્ધિમત્તા વિહીન કાયદાઓ ઘડી રહ્યા છે. આના ઉપરથી એ બાબત તદ્દન સ્પષ્ટ બની જાય છે કે એમનો આશય કંઈક જુદો છે. એમના આંસૂ વાસ્તવિક નહીં  બલ્કે મગરના આંસૂ છે જેનો હેતુ દગાખોરી અને દંભ સિવાય બીજો કોઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here