સાક્ષીઓ કેમ ફરી જાય છે એ કોઈ નથી પૂછતું

0
285

કોઈપણ આરોપીને સજા ત્યારે જ મળે છે કે જ્યારે તેની સાક્ષી આપનાર મૌજૂદ હોય. પરંતુ જ્યારે સાક્ષી આપનાર જ સાક્ષી આપવાથી ફરી જાય તો પછી ન્યાયના દ્વાર બંધ થઈ જાય છે અને આરોપીઓ છૂટી જાય છે. સાક્ષીઓ ફરી જવાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે જેમાં કોઈ બે-ચાર સાક્ષી હોય છે. કયાં તો તેઓ સાક્ષી આપવાથી ઈન્કાર કરી દે છે અથવા તો પછી જૂઠી સાક્ષી આપે છે, પરંતુ અહીં મામલો બિલકુલ અલગ છે. આ કેસમાં સીબીઆઈએ આરોપીઓ વિરુદ્ધ ર૧૦ સાક્ષીઓ રજૂ કર્યા હતા જેમાંથી ૯ર સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા. બાહ્ય રીતે જાતાં સાક્ષીઓને ફરી જવાથી કોઈપણ અટકાવી શકતા નથી, પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે જજ પણ તેના પર સ્પષ્ટતા કરી દે. જ્જે પોતાના ચુકાદામાં કહ્યું કેઃ ‘સીબીઆઈ સાક્ષીઓને ફરી જવાથી રોકી શકે નહીં. આ તેના વશમાં નથી.’ જેનાથી સ્પષ્ટપણે જાહેર થાય છે કે સાક્ષીઓ સાથે જજ સાહેબોને ખૂબજ હમદર્દી છે, નહિતર તેઓ આ રીતે પોતાની પ્રતિક્રિયા વ્યકત ન કરતા.

બીબીસીના જણાવ્યા મુજબ દેશના એક નીચલી અદાલતે ગુજરાત રાજ્યમાં ૧૩ વર્ષ પહેલાં સોહરાબુદ્દીન અને તેમની પત્ની કૌસરબીના નકલી એન્કાઉન્ટર કેસમાં તમામ રર આરોપીઓને મુકત કરી દીધા છે. આ કેસમાં ‘ઓન ડયૂટી’ અને પૂર્વ પોલીસ કર્મીઓ પર સોહરાબુદ્દીન અને તેમની પત્ની કૌસરબી તેમજ એક સાથે તુલસીરામ પ્રજાપતિની હત્યા કરવા તથા તેમાં ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ હતો. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ આરોપ મૂકયો હતો કે રર આરોપીઓએ નવેમ્બર ઈ.સ.ર૦૦પમાં સોહારાબુદ્દીનની પત્નીનું અપહરણ કર્યા બાદ અહમદઆબાદ નજીક એક નકલી પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ નિપજાવ્યું હતું.

તુલસી પ્રજાપતિ કે જેઓ આ અપહરણના સાક્ષી હતા તેમને એક વર્ષ પછી ઈ.સ.ર૦૦૬માં એક એન્કાઉન્ટરમાં મારી નંખાયા હતા.

સીબીઆઈની વિશેષ અદાલતના જજે તમામ આરોપીઓનેછોડી મૂકવાનો ચુકાદો સંભળાવતા કહ્યુંઃ હું માર્યા ગયેલા ત્રણેય લોકોના સગા-સંબંધીઓ માટે બૂરું અનુભવું છું (સહાનુભૂતિ ધરાવું છું), પરંતુ હું વિવશ છું. અદાલત પુરાવાના આધારે ચુકાદો આપે છે અને દુર્ભાગ્યે આ કેસમાં પુરાવાઓ ગાયબ છે.’

આ કેસમાં સીબીઆઈએ આરોપીઓ વિરુદ્ધ ર૧૦ સાક્ષીઓ રજૂ કર્યા હતા. જેમાં ૯ર સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા. જજે પોતાના ચુકાદામાં કહ્યું કે ‘સીબીઆઈ સાક્ષીઓને ફરી જવાથી રોકી નથી શકતી. આ તેના વશમાં નથી.’ આ આરપીઓના વકીલ વહાબખાને જણાવ્યું કે અદાલતે આ સ્વીકાર્યું કે સોહરાબુદ્દીનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, પરંતુ ફરિયાદ પક્ષ આ પુરવાર ન કરી શકયું કે એ ગોળી અદાલતમાં મૌજૂદ આરોપીઓએ મારી હતી અથવા એ કે જે રિવોલ્વરથી ગોળી ચલાવવામાં આવી એ રિવોલ્વર આ આરોપીઓ પાસે હતી. વહાબખાને કહ્યું કે જજે તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટરને ખરો ઠેરવ્યો છે અને પોતાના ચુકાદામાં કહ્યું કે સોહારાબુદ્દીનની પત્ની કૌસરબીની હત્યા વિશે સીબીઆઈએ કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો. સોહારાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાની પ્રતિક્રિયા આપતાં રૂબાબુદ્દીને કહ્યું કે સીબીઆઈ આરોપી પોલીસ કર્મીઓથી મળેલી હતી. (તેમની વચ્ચે સાંઠ-ગાંઠ હતી), અને તેમને બચાવવા માટે તેમણે પુરાવાઓ યોગ્ય રીતે રજૂ નથી કર્યા.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની પ્રારંભિક તપાસ ગુજરાત પોલીસે કરી હતી અને પાછળથી સુપ્રીમ કોર્ટના આદેશ પર તેની તપાસ ઈ.સ.ર૦૧૦માં સીબીઆઈને સોંપવામાં આવી. શરૂઆતમાં આ કેસમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વર્તમાન પ્રમુખ સહિત રાજસ્થાન, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાય ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ સામેલ હતા. ઈ.સ.ર૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આ કેસની સુનાવણી કરનાર વિશેષ અદાલતે અમિત શાહ સહિત આ કેસમાં સામેલ કેટલાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા રાજકીય અગ્રણીઓને સુનાવણી પહેલાં જ મુકત કરી દીધા હતા. હવે આ કેસમાં મોટાભાગના આરોપીઓ ઈન્સ્પેકટર, સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ રેન્કના રહી ગયા હતા જેમને સીબીઆઈની વિશેષ અદાલતે હવે છોડી મૂકયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here