હજ પછી………

0
205

ખાકે શિફાની ભેટ અમારા માટે અકસીર ઇલાજ છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે મદીનાની ધૂળ-માટીમાં બીમારીનો ઇલાજ છે. બાવળ અને પીલુના મિસ્વાક ઉપર પણ એક પાક હવાઓ વહી છે. તસ્બીહો અમારા માટે વધુને વધુ ઝિક્રેઇલાહીનું કારણ બનશે. આ ઉપરાંત બાળકો સ્ત્રીઓ અને મિત્રો માટે જે અવનવી નાની ભેટો તમે લાવ્યાં છો તે તેમને ખૂબ આનંદ આપશે અને આભાર બનાવશે.

પરંતુ યાદ રહે ! તમારી જાત પોતે જે ખુદાવન્દના દરબારમાં શુદ્ધ સ્વચ્છ થઇને આવી છે તે મોટી ભેટ છે. અમને તમારૂં આ પવિત્ર જીવન આપો, અમે તમારૂં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. હજે તમારા જૂના ખ્યાલો અને લાગણીઓમાં તબદીલી આણી દીધી છે. તમે નવજીવન, નવી સમાનતા અને નવા જાશ સાથે પાછા આવ્યાં છો. તમારી સામેથી બૂરાઇની દીવાલો ભાંગી પડી છે.

હજ આગળની તમામ બૂરાઇઓને ખતમ કરી દે છે.

આટલું જ નહીં પણ તકવા અને પવિત્રતાની નવી દીવાલોથી નવીન ઇમારત રચી તેમાં નવજાત શિશુની જેમ પેદા થાય છે જેની ઉપર સમાજની બૂરાઇઓએ હજુ પડછાયા નાંખ્યા નથી. તમારૂં જીવન બધી જ સારી અને નેક વાતો કબૂલ કરવા તત્પર રહે છે. એવું ન બને કે આ શુદ્ધ જીવન ઉપર વાતાવરણની ખરાબ અસરો પડે. હજે એનાયત કરેલા ઇસ્લામી સ્વભાવને ખોટી અસરોથી પ્રભાવિત ન થવા દેશો, કારણ આ શાંતિપ્રિય સ્વભાવ, નેક પ્રકૃતિ અને દીન વડે આ અણુયુગમાં કલમએ તૌહીદ માટે કામ કરવાનું છે. તમે તમારી આ હજ દ્વારા પ્રાપ્ત થયેલી ભાન નહીં કેળવો તો હવે કઈ તક આવશે જે આનાથી સારી હશે ? 

આપ આવતાં-જતાં જિદંદહમાં રોકાયા, પાક ભૂમિની આ પહેલી અને છેલ્લી મંઝિલ તમે કેવી રીતે છોડી ? જિદ્દહથી મક્કા જતા શમ્સિયહની પાક જગ્યાએ પસાર થયા હશો. આ એ પવિત્ર જગ્યા છે જ્યાં બયઅતે રિઝવાન દ્વારા હજારો ફિદાકારોએ રસૂલુલ્લાહ સ.અ.વ.એ પવિત્ર ચારિત્ર્યનો પુરાવો આપ્યો હતો. તમને એ ફિદાકારોનો વિચાર તો આવ્યો હશે, તમારૂં ઈમાન તાજગીવાળું થયું હશે. અમારા દિલ અને રૂહને પણ એનો લાભ આપો. મક્કામુકર્રમહના ઇતિહાસ અને કા’બાશરીફના ભવ્ય દૃશ્યની વાત કરો. જેની ઉપર એક નજર નાખવા લાખોના હૃદય તડપે છે તે મુતાફ, હતીમ, હજરે અસ્વદ, રૂકનેયમાની, મકામે ઇબ્રાહીમ, મુલતઝમ અને મસ્જિદેહરામને નજરોનજર નિહાળવાનું સદ્‌ભાગ્ય તમને પ્રાપ્ત થયું એની વાત કરો.

ઝમઝમનું પાણી પીતી વખતે હઝરત હાજરા રદિ. અને હઝરત ઇસ્માઈલ અ.સ.ના બનાવ તમને યાદ આવ્યા હશે. ઝમઝમ તમારી અંદર દીનની પ્યાસ વધારે અને તમે બીજાઓની તરસ છિપાવો.

સફા-મર્વહની વચ્ચે સઇ કરતી વખતે માની મમતા અને બાળકની તડપનો ખ્યાલ આવ્યો હશે. તમે પણ દીની કામોમાં આવી જ રીતે સઇ કરતા રહો અને દીનના તલબગારો સુધી દીન પહોંચાડો.

તમે જન્નતુલમુઅલ્લા, મિના, જબ્લેહનબ, જબ્લેસબીર, મસ્જિદે ખૈફ જેવા પવિત્ર સ્થળોએ જઇ આવ્યા છો, શૈતાનને કાંકરીઓ મારી તેની .પર લાનત કરી છે. હવે સીધી હનીફી જિંદગી જીવો અને તેની ઉપર કોઇ મેલ ચઢવા ન દેશો. અરફાતમાં રોકાણ કરી આવ્યા હોવાથી હવે જાજા કે તમે આખરી ખુત્બાના તકાદાઓ વધુ સારી રીતે સમજ્યા છો. તમારી ફરજ છે કે એ જ રેખાઓ ઉપર તમે માનવતાની સેવા કરો, ઇસ્લામી જીવનના તકાદાઓ પૂરા કરો.

તમે મક્કાની પવિત્ર ભુમિથી પ્રભાવિત થયા, ખૂબ મેળવ્યું. એટલું જ નહીં મદીના મુનવ્વરહ ઝિયારતનું બહુમાન મેળવ્યું. રોઝએ અકદસ સામે હાજર થઇ રૂબરૂ સલામત-વ-સલામનું નજરાણું પેશ કર્યું. તમારા આત્માને શાંતિ મળી. તમારી ઉપર આખી દુનિયા કુર્બાન ! તમે આ જ દુનિયામાં રોઝએ જન્નતમાં દાખલ થઇ ગયા.

તમે જે જગ્યાઓએ રસૂલેકરીમ સ.અ.વ. રાત-દિન હર્યા ફર્યા, બેઠાં તે જગ્યાઓએ નમાઝ પઢી. હવે રસૂલુલ્લાહ સ.અ.વ.ની સુન્નત ઉપર અમલ કરવાની તમે જવાબદારી ઉઠાવી છે. બાકીનું જીવન આ રીતે જ જાય અને સુન્નત વિરૂદ્ધ એક ડગલું ન ઉપડે તેની કાળજી રાખશો.

હવે તમારી ઉપર રસૂલુલ્લાહ સ.અ.વ.નો પ્રેમ ચઢી ગયો છે. અલ્લાહની વહદાનિયતનો સિક્કો લાગી ગયો છે. તેથી જાજા બીજા રંગ ન ચઢવા પામે, બીજાની બંદગીની નજીક પણ ન ફરકતા.

જન્નતુલબકીઅ અને મસ્જિદેકુબા જઇ આવી તમે જાણ્યું કે ઇસ્લામી વ્યવસ્થા સ્થાપવા માટે શું કરવું પડે છે. સહાબાએ કિરામ રદિ.એ કઇ કુર્બાની આપી આ કામ કરી દેખાડ્યું. તમારૂં જીવન એમના પદ્‌ચિહ્નો ઉપર વીતે તે તમારી જવાબદારી થઇ ગઇ છે.

તમારૂં જીવન તમારા ઘર માટે શિક્ષક અને ઘરને મદ્રસા બનાવી લો અને રોજબરોજના કામો દ્વારા બીજાઓને બોધ આપો.

હે હાજી ! અલ્લાહ તમને હજ્જે મબરૂર એનાયત કરે, આમીન !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here