ઝડપથી વ્યાપ્ત થતો જતો નકારાત્મક અભિગમ અને ઉદારતાવાદીઓની જવાબદારીઓ

0
98

વિશ્વભરની સાત અજાયબીઓમાં જેને એક સ્થાન મળ્યું છે તે ભારતની ઐતિહાસિક ધરોહરના બારામાં ભાજપના એક રાજ્યસ્તરના નેતા સંગીત સોમ કહે છે કે ‘તાજમહલ એ અમારી ધરોહર નથી બલ્કે હિંદુસ્તાનના માટે એક કલંક છે !’ ઘણા વર્ષો પહેલાં વિશ્વ હિંદુ પરિષદના એક કટ્ટરવાદી હોદ્દેદારે કહેલું કે ૧૯૩૦ સુધીમાં ભારતને મુસલમાનોથી પાક કરી દેવામાં આવશે. ગૌરક્ષાના નામે થતાં ઘૃણાત્મક હુમલાઓ અને મુસ્લિમ સમુદાયના લોકોની હત્યાઓ, દલિતો ઉપર દેશભરમાં વ્યાપક થઈ રહેલા હુમલાઓ અને ખ્રિસ્તી દેવળોની તોડફોડ, લવ-જેહાદના નામે દેશબાંધવોની લાગણીઓને ભડકાવવાના કારસાઓ, સમાન સિવિલ કોડ લાગુ કરવાની ધમકીઓ, બંધારણની કલમ ૩૭૦ને રદ કરવા માટે જોરદાર માંગણીઓ, ઐતિહાસિક નામાભિધાન ધરાવતા સ્થળો, શહેરો, રસ્તાઓ અને રેલવે સ્ટેશનો સુદ્ધાંના નામો બદલી નાંખવાની કાર્યવાહીઓ, સરકારની ખોટી નીતિ-રીતિઓ ઉપર ટીકાટિપ્પણી કરનારા પત્રકારોને ‘ઠીક કરવા’ માટે તેમને રંજાડવાના રીતસરના પ્રયાસો, અને ઉદારતાવાદી ચિંતકોની નિર્મમ હત્યાઓ (કુલબર્ગી, પાનસરે, ડાભોલકર અને છેલ્લે ગૌરી લંકેશ) સહિષ્ણુતાની હદ-મર્યાદાઓને ભંગ કરીને છાશવારે અપાતા બેફામ નિવેદનો વગેેરે જેવા નકારાત્મક અભિગમોનો પરીપાક હવે વ્યાપક પ્રમાણમાં દેશમાં ઉતરવા લાગ્યો છે. આગ જરાક ઠંડી પડે છે કે ફરીથી એમાં કોઈ પલીતો ચાંપવામાં આવે છે. બળતામાં સતત ઘી હોમાતું રહે એ માટે આયોજનબદ્ધ પ્રયાસો ચાલુ રાખવામાં આવી રહ્યા છે. ૧૯રપમાં નફરતના જે વિષવૃક્ષના બીજ રોપવામાં આવ્યા હતા તે વિશાળ વૃક્ષના રૃપમાં ફાલીફૂલીને હવે ચારેકોર ઝેહરીલા ફળોનું મબલખ ઉત્પાદન કરીને રાષ્ટ્રભરમાં ફેલાવવા લાગ્યું છે.

આ લખાઈ રહ્યું હતું ત્યારે એક ગુજરાતી દૈનિક (ગુજરાત ટુડે)માં વિશ્વવિખ્યાત ટેકનોક્રેટ અને ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડાનું એક નિવેદન ૧રમા પાને પ્રગટ થયું છે. ગુજરાત વિદ્યાપીઠના ૬૪મા પદવીદાન સમારંભમાં પ્રવચન આપતાં તેમણે કહ્યું છે કે ‘આજે દેશ પડકારોનો સામનો કરી રહ્યો છે. લોકશાહીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. અપૂરતી આઝાદી અને સંસ્થાઓ ઉપર (એક ખાસ નકારાત્મક વિચારધારા ધરાવનારા લોકોનો) કબજો થતો જઈ રહ્યો છે. જેના કારણે દેશના નાગરિકો પોતાના વિચારો સ્વતંત્રતાથી વ્યકત કરી શકતા નથી. દેશમાં ભયનો માહોલ છવાતો જઈ રહ્યો છે ત્યારે ધમકી અને નફરતને તિલાંજલી આપીને ગાંધીવાદી વિચારધારાને અપનાવવી જરૃરી છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે ‘દેશના નિર્માણમાં પ્રેમ, કરૃણા અને ભાઈચારાની જરૃર છે.’ (હવાલો ગુજરાત ટુડે/૧૯-૧૦-૧૭/પેજ-૧ર)

દેશ ઝડપભેર અંધકારના યુગ તરફ ધકેલાઈ રહ્યો છે. માનવ સમાજો વચ્ચે ભાગલા પાડનારી, ટકરાવો ઉભા કરનારી, જાતિવાદ અને કોમવાદના નામે લોકોને માંહોમાંહે લડતા-ઝઘડતા રાખીને પોતાનો રાજકીય રોટલો શેકનારી તંગનજર વિચારસરણીને વેગ મળતો જઈ રહ્યો છે. પહેલાં નોટબંધી અને પછી જી.એસ.ટી.ના ભારેખમ ટેક્ષ લાગુકરણે દેશની આર્થિક પાયમાલી કરવા માંડી છે. ખુદ ભાજપના સહયોગી પક્ષો અને હવે તો તેમના ટોચના સીનિયર લીડરો (યશવંતસિંહા, શત્રુધ્ન સિંહા, સુબ્રમણ્યમ સ્વામી વગેરે જેવા) આવા ઉતાવળીયા નિર્ણયોથી ઉભી થયેલ પ્રજાજીવનની મુશ્કેલીઓનો તાગ પામી જઈને ટીકા-ટીપ્પણીઓ કરવા લાગ્યા છે. ધંધા-રોજગાર ભાંગી પડયા છે, દેશની ઉત્પાદન ક્ષમતા ઘટતી જઈ રહી છે, નિકાસ ઓછી થઈ રહી છે, રોજગારો ઘટવા લાગ્યા છે. બેરોજગારી ઝડપી ગતિએ વધતી જાય છે. સહુથી વધુ કફોડી હાલત દેશના ખેડૂતવર્ગની થઈ રહી છે. મધ્યમ વર્ગ ધાણીના બળદની જેમ પીસાતો જઈ રહ્યો છે. વૈધ આવકોની સહુલતો ઘટવાના કારણે લોકો અવૈધ (અનૈતિક) આવકો ઊભી કરવા તરફ વળી ગયા છે. અપરાધોનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે. મહિલા અસ્મિતા ભંગ અને યૌનશોષણની ઘટનાઓની ભરમાર લાગતી જઈ રહી છે, વિશ્વ સ્તરે દેશની છબી ખરાબ થતી જાય છે, ન્યાયપૂર્ણ વ્યવહારોની બાદબાકી થઈ રહી છે અને જોરતલબીનું પ્રમાણ વધી રહ્યું છે. નૈતિકતાના પાઠો ભણાવવાનું તો હવે લગભગ ભૂલાઈ જ ગયું છે. જેના કારણે બેફામતા, ઉધ્ધંડતા, આક્રોશ અને ભય પ્રસરાવીને કામ કઢાવી લેવાનું વલણ અધિકૃતતા ધારણ કરતું જઈ રહ્યું છે દેશમાં ચારેકોર અરાજકતાની પરિસ્થિતિઓનો અંધકાર છવાતો જઈ રહ્યો છે.

આવી કઠીન અને દુઃખદાયક પરિસ્થિતિઓ તરફ ઝડપથી ધકેલાઈ રહેલા આ વિશાળ રાષ્ટ્રને એ કાંટાળા માર્ગેથી પાછા વાળી ભલાઈ અને માનવતાના અભિગમ તરફ લઈ જવાની જરૃર નથી ? નકારાત્મક અભિગમના ઝેર રાષ્ટ્રપ્રજામાં કયાં સુધી પીરસાતાં રહેશે ? લોકોને કયાં સુધી મુર્ખ બનાવવામાં આવતા રહેશે ? ધાર્મિકતાના ચોલા હેઠળ દેશમાં અશાંતિનો આવો માહોલ કાયમ કરવાથી દેશનું શું ભલું થવાનું છે ? સત્તાધારી પક્ષના નેતાઓ ‘સર્વનો સાથ સર્વનો વિકાસ’ની વાતો તો ખૂબ કરે છે ત્યારે આ ‘સર્વ’માં કોને ગણવામાં આવે છે અને કોને બાકાત રાખવામાં આવી રહ્યા છે તે જોવું-સમજાવું અને તેના લેખાં-જોખાં કરવાનું કામ ભારતીય પ્રજા માટે ખૂબ મહત્ત્વનું બની ગયું છે. મુસ્લિમ-દલિત અને ખ્રિસ્તી-સમુદાયના ૩પ, ટકા જેટલા લોકોને આ ‘સર્વમાંથી’ બાકાત રાખવામાં આવશે, તેમની શાંતિ સલામતી છીનવાતી રહેશે. તેમને સતત તણાવભરી પરિસ્થિતિઓમાં ધકેલી રાખવામાં આવશે તો ‘સર્વનો વિકાસ’ કઈ રીતે શકય બનશે ?

છેલ્લા સાડા-ત્રણ વર્ષથી દેશ આખો સતત તણાવની હાલતમાં જીવી રહ્યો છે. રોજ ઉઠીને નવાનવા ગતકડાં ઉભાં કરવામાં આવે છે. પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે જોડ અને આત્મીયતા વધે એવા પ્રયાસો કરવાના બદલે તેમના વચ્ચે ટકરાવ અને તોડ પેદા થતો રહે એવી પ્રવૃત્તિઓનું જોર ઝડપથી વધી રહ્યું છે. ઝેરીલા ફળો ઉગાડનારા આ વૃક્ષોનંક બીયારણ કયાંથી આવ્યું છે એ તપાસનો વિષય છે. નામ દેશહિતનું લેવાઈ રહ્યું છે પણ વાસ્તવમાં એવી તમામ પ્રવૃત્તિઓ દેશનું અહિત કરનારી સાબિત થઈ રહી છે. રાષ્ટ્ર કમજોર થઈ રહ્યું છે અને સવેળા જાગીને જો એના સાચા સ્વાસ્થ્ય માટે ઝડપી ઊપાયો કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ બગડતી જવાની છે. સમગ્ર વિશ્વ ઉપર પોતાની જોરતલબી કાયમ કરવા માંગતા એક ખાસ ગિરોહની આ વિશ્વવ્યાપી ચાલ છે જેમાં દેશોના દેશોને ખૂબ ચતુરાઈપૂર્વક ફસાવવામાં આવી રહ્યા છે. મારી સમઝ એવું કહે છે કે આપણા દેશને પણ આ વિશ્વવ્યાપી કાવતરામાં ફસાવવામાં આવી રહ્યો છે. વિશ્વવ્યાપી આ કાવતરાનું લક્ષ્ય શકય તે તમામ દેશોમાં એક યા બીજા બહાને અરાજકતાનું વાતાવરણ ઊભું કરીને ત્યાં અશાંતિ અને ટકરાવો ઊભા કરવાનું છે. આનાથી તે દેશો કમજોર પડી જાય, ત્યાંનું શાંત વાતાવરણ ડહોળાતું રહે, ત્યાંની પ્રજાના વિવિધ વર્ગોમાં ટકરાવો અને તણાવોની પરિસ્થિતિઓનું જોર વધી જાય, એ વબામાં ફસાયેલા (ફસાવી દેવામાં આવેલા) રાષ્ટ્રોનો સાચો વિકાસ રૃંધાવા લાગે, આમ પ્રજાજીવન અગણ્ય મુશ્કેલીઓનું શિકાર બની જાય અને દિવસે દિવસે છુપો આક્રોશ વધતો જાય જે લાંબા ગાળે એ દેશને આરાજકતામાં ધકેલી દે. પછી એવા કમજોર દેશો ઉપર પોતાનો પંજો જમાવીને તેને પોતાનો માનસીક ગુલામ બનાવી દેવાય અને તેની પાસેથી પોતાનું ધાર્યું કામ કઢાવી લેવાય. એવી ગણતરી સાથે આખા વિશ્વમાં એક યા બીજા સ્વરૃપે આવી જાળો ફેલાવવામાં આવી રહી છે જેના કારણે તે દેશનો સાચો વિકાસ અને સાચી સુખાકારી ખતરામાં મૂકાઈ રહી છે. આજે આખું મીડલ-ઇસ્ટ આ જાળમાં ફસાયેલું છે. ઉત્તર આફ્રિકાના ઘણા દેશો આનો શિકાર બનીને પાયમાલ થઈ રહ્યા છે.આ પ્રોગ્રામ લઈને એક નવા જ પ્રકારનો સામ્રાજ્યવાદ વિશ્વ ઉપર છવાઈ જવા માગે છે.

ત્યારે ભારતરાષ્ટ્રનું સાચું હિત ઈચ્છનારા લોકોએ ફેરવિચારણા કરવાની જરૃર છે. ભૂલ્યા હોય તો ફરીથી ગણતરી શરૃ કરવામાં કાંઈ વાંધો નથી. ‘સુબહ કા ભુલા શામ કો વાપસ આએ, વો ભુલા ન કહેલાએ’ એ શબ્દો ઉપર વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. ઉદારતાવાદી વિચારધારા લઈને ચાલનારા શાણા લોકો આ કામમાં સારો ભાગ ભજવી શકે છે. તેઓ પોતાની સમજદારીનો ઉપયોગ કરીને ‘ભુલા પડેલા ગ્રુપોના લોકોને’ આ વાત પ્રેમથી સમજાવે, વારંવાર એની ટકોર કરતા રહે, કુંઠિત કરી દેવાયેલી તેમની ચેતનાને જાગૃત કરવા સતત મથામણ કરતા રહે. શકય છે કે તેમને તેમની ભૂલ સમજાઈ જાય અને રાષ્ટ્ર અહિતના માર્ગેથી પાછા વળવા તેઓ કદાચ તૈયાર થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here