ડો. ઝાકિર નાયકની સંપત્તિ ટાંચમાં લેવા ‘ઈડી’ને ન્યાયપંચે અટકાવ્યો

0
126

નવી દિલ્હી,
પી.એમ.એલ.એ ટ્રિબ્યુનલે ઈ.ડી.ને ડો.ઝાકિર નાયક વિરુદ્ધ દાખલ કરેલ કેસ અંગે જપ્ત કરાયેલ સ્થાવર સંપત્તિઓ ઉપર કબજો કરવા માટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદા પછી એજન્સીએ અપીલ કરવાની વાત કરી છે. આ કેસની સુનાવણી દરમ્યાન ઈડીને અપમાનનો સામનો કરવો પડયો છે.
‘ન્યૂઝ-૧૮’ના અહેવાલ મુજબ ન્યાયિક ટ્રિબ્યુનલે આ કેસમાં તપાસને લઈ ઈ.ડી.ની ઝાટકણી કાઢી હતી. જજ મનમોહનસિંહે ડો.ઝાકિર નાયકની જપ્ત કરાયેલ સંપત્તિને ઈડીને સોંપવા ઉપર ઈન્કાર કરતા ઈડીના વકીલને કહ્યું કે હું એવા ૧૦ બાબાઓના નામો તમને જણાવી શકું છું કે જેમની પાસે ૧૦ હજાર કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ છે અને એમની સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે શું તમોએ એમાંથી એકની પણ વિરુદ્ધ કાર્યવાહી કરી છે ?
પ્રાપ્ત અહેવાલો મુજબ ટ્રિબ્યુનલના ચેરમેને સ્વીકાર્યું કે ઈડીએ છેલ્લા ૧૦ વર્ષો દરમ્યાન આશારામની સંપત્તિ જપ્ત કરવા માટે કોઈપણ કાર્યવાહી કરી નથી, પરંતુ નાયકના મામલામાં ખૂબજ ઝડપ બતાવી રહ્યા છે. વકીલે કહ્યું કે જ્યારે ચાર્જશીટમાં જ ઠરાવેલ ગુનાઓ દર્શાવાયા નથી તો પછી સંપત્તિ જપ્ત કરવા માટે કયા આધારો છે ? આના જવાબમાં વકીલે કહ્યું કે ડો.ઝાકિર નાયકે યુવાનોને પોતાના વકતવ્યોથી ઉશ્કેર્યા છે. જજે કહ્યું કે ઈ.ડી.એ પ્રથમદર્શની પુરાવાઓ અથવા તો ગેરરસ્તે ચઢેલ યુવાનોનું નિવેદનો રજૂ કર્યા નથી કે કેવી રીતે આ ઝાકિર નાયકના વકતવ્યો સાંભળ્યા બાદ એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયા હતા. જજે પ્રશ્ન કર્યો કે શું તમોએ કોઈપણ યુવકનું નિવેદન નોંધ્યું છે કે જે નાયકના વકતવ્યથી પ્રભાવિત થયો હોય. જજે કહ્યું કે એવું લાગે છે કે તમોએ પોતાની સગવડ માટે ૯૯ ટકા વકતવ્યોની અવગણના કરી છે અને માત્ર ૧ ટકા ઉપર જ વિશ્વાસ મૂકયો છે જે ચાર્જશીટમાં સામેલ છે ? મેં તેમના આવા ઘણાં વકતવ્યો સાંભળ્યા છે અને હું તમને જણાવી શકું છું કે મને હજુ સુધી તેમાં કોઈ વાંધાજનક જણાયું નથી. આ પછી ટ્રિબ્યુનલ સ્થિતિ જેમ છે તેમ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો અને ઈ.ડી.ને ડો.ઝાકિર નાયકના ચેન્નઈની શાળા અને મુંબઈના એક વાણિજ્યિક સંપત્તિનો કબજો લેવા અંગે મનાઈ હુકમ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here